જયંત દાફડા (મેરાન્યૂઝ.જુનાગઢ): 'સાહેબ, સારવારમાં પાયમાલ થયો છું, દુકાન ખોલવા દો તો મહેરબાની' યુવકના શબ્દોમાં અને તેની સાથેની દવાખાનાના બિલોની ફાઈલમાં તેના પરિવારનો આખી જિંદગીનો હિસાબ સમાઈ ગયો હતો. જુનાગઢના આ ડીવાયએસપી અધિકારીએ પછી નિયમો તોડીને યુવકની દુકાન ખોલવાની પરવાનગી તો ના આપી પણ એવો રસ્તો કાઢ્યો કે અધિકારીની ત્વરિત સૂઝબૂઝ સલામ કરવા હાથ ઊંચો કરી દે.

મોટા ભાગે આપણને ખાખી પહેરનારના કડક વલણો જોયા હોય છે કે સાંભળવા મળતા હોય છે. પરંતુ ખાખીની અંદર આખરે છે તો એક માણસ જ... આ વાતને સાર્થક કરતો એક કિસ્સો જુનાગઢ શહેરમાં જોવા મળ્યો છે.

રાજ્યભરમાં કોરોનાની બીજી લહેરએ લોકોના હાલ બેહાલ કરી નાખ્યા છે. લોકડાઉન જેવા આકરા નિર્ણયના કારણે સામન્ય માણસ પર માઠી અસર પડી રહી છે. લોકોના વ્યાપાર ધંધા પડી ભાંગ્યા છે તેવામાં ઘરનું કોઈ સભ્ય કોરોનાની ઝપેટમાં આવે તો સારવાર માટેનો ખર્ચ પણ નીકળી શકતો નથી. ચારેક દિવસ પહેલા જુનાગઢના એક યુવાને પોતાનો ધંધો શરૂ કરવા માટે શહેરના ડી.વાય.એસ.પી. તરીકે ફરજ બજાવતા પ્રદીપસિંહ જાડેજાને રજૂઆત કરવા ગયો હતો.

Advertisement


 

 

 

 

 

સાહેબને મળીને આ યુવાને કહ્યું, મારી કોલ્ડડ્રિન્કસની દુકાન છે. હાલ લોકડાઉન જેવા નિર્ણયના કારણે અત્યારે દુકાન બંધ છે. આપને વિનંતી કરવા આવ્યો છું કે આપ એ વિસ્તારના પીઆઇને કહીને મારી દુકાનને 2-4 કલાક માટે ખુલી રાખવાની મંજૂરી આપો કારણકે મારા પિતાની તબિયત ખરાબ છે. રાજકોટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને દવાના ખર્ચ માટે આ દુકાન સિવાય બીજો કોઈ આવકનો સ્ત્રોત નથી. બીમાર પિતાની હોસ્પિટલની ફાઇલ બતાવી પોતાની વ્યથા જાડેજા આગળ રજૂ કરી.

 

આ વાત સાંભળી ખાખીની અંદરનો માણસ યુવાનની વ્યથા સમજી શકતો હતો, પરંતુ પોતાની ફરજ બહાર જઈને દુકાન ખોલવાની મંજૂરી કરી રીતે આપી શકે ? કારણ કે જૂનાગઢમાં જાહેરનામું અમલમાં હોવાથી એકને મંજૂરી આપે તો અન્ય સાથે અન્યાય થાય એવા વિચાર સાથે અન્ય કોઈ વચ્ચેનો રસ્તો કાઢીયે. જેનાથી નિયમનું પાલન પણ થાય અને તમારું કામ પણ થાય.'

આ વાત સાંભળી યુવાન પણ આશ્ચર્યમાં પડ્યો અને વિચારમાં પડ્યો વચ્ચેનો રસ્તો શું હોય શકે? જાડેજાએ  યુવાનના પિતાની ફાઇલ જોતાં યુવાનને પૂછ્યું  'દવાઓ લેવા માટે કેટલી રકમની જરૂર છે ?' પેલા યુવાને જેટલી જરૂર હતી એ રકમ કહી એટલે અધિકારીએ પોતાના ખિસ્સામાંથી પાકીટ કાઢીને દવા માટે જરૂરી રકમ કાઢી યુવકના હાથમાં મૂકી દીધી.

Advertisement


 

 

 

 

 

યુવાનનો ચેહરો જોતા ખબર પડી કે રકમ સ્વીકારવામાં સંકોચ થતો હતો. પરંતુ પોતાની પરિસ્થિતિ અને બીમાર પિતાની હાલતે તેને વિચારમાં મૂકી રહી હતી. સ્થિતિ સમજી તરત જાડેજાએ  કહ્યું, 'લઇ લે ભાઈ, અત્યારે તારે જરૂર છે. મને સરકાર ઘણો પગાર આપે છે. છતાં તને શરમ આવતી હોય તો તારી પાસે જ્યારે વધુ રકમ ભેગી થાય તે દિવસે પાછા આપી જજે.'  યુવાને એક પરોપકારી પોલીસ અધિકારીના વિશાળ હૈયામાંથી વહેતી માનવતાને જોઈ યુવાન રકમ લઇ જતો રહ્યો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.