મેરાન્યૂઝ નેટવર્ક.જુનાગઢઃ જુનાગઢના ખેડૂત પદ્મશ્રી વલ્લભભાઈ મારવણિયાનું નિધન થયાની વિગતો મળતાં જ શોકના સમાચાર પ્રસરી ગયા હતા. તેઓ 96 વર્ષના હતા. મૂળ જુનાગઢના ખામધ્રોલના વતની છે.

વલ્લભભાઈની જીવન સફર પણ જાણવા જેવી છે. પાંચ ચોપડીનું ભણતર ધરાવતા વલ્લભભાઈ પદ્મશ્રી વિજેતા બન્યા તે ખરેખર લોકો માટે પ્રેરણાદાયી છે. જુનાગઢના ખામધ્રોલના વતની વલ્લભભાઈ સહિત તેમના પરિવારમાં પણ પદ્મશ્રી જ્યારે તેમને મળ્યો ત્યારે ખુશીની લહેર જોવા મળી હતી. વલ્લભભાઈના માન-પાન પણ ઘણા વધી ગયા હતા. જોકે ઓછા ભણતરે પણ ગણતર કાઠું હતું. 

વલ્લભભાઈ કે જેમને ગાજરની ખેતીને પગલે પદ્મશ્રી સુધીનો રસ્તો ખેડ્યો તેમને જ તેમના પિતાએ ગાજર વેચવા જતી વખતે સાથે લઈ જવાની ના પાડી હતી. છતાં પોતે માર્કેટમાં જઈને તે જમાનામાં 20 કિલો ગાજરના 12 રૂપિયા તેમણે મેળવ્યા હતા. તેમની આ છબી જોઈ તેમને માર્કેટમાં ન લઈ જનારા પિતા સહિત પરિવારના સહુ આશ્ચર્યમાં હતા. જોકે બાદમાં દસ વર્ષ સુધી તેમણે માત્ર ગાજરની ખેતી કરી.

વર્ષ 1980માં જ્યારે ગાજરના બિયારણની માગ વધી ગઈ હતી ત્યારે પોતે જ બિયારણ બનાવી તેના વેચાણની શરૂઆત કરી હતી. 14 વિઘા જમીન ધરાવતા પરિવાર પાસે ગાજરની ખેતીને પગલે 125 વિઘા જમીન છે. તેઓ હવે 8થી 10 ટન મધુવન ગાજરના બિયારણ વેચે છે. ગરીબી પણ જોઈ અને મહેનતથી મળતી સુખાકારી પણ જોઈ. તેમના પરિવાર ઉપરાંત તેમના સમાજમાં પણ તેમના માન મોભા ઘણા છે.