મેરાન્યૂઝ નેટવર્ક.જુનાગઢઃ જુનાગઢમાં ગમખ્વાર કાર અકસ્માત સર્જાયો જેમાં ચાર યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. કારની સ્પિડ એટલી વધુ હતી કે કાર ચાલક તેને કાબુ જ કરી શક્યો નહીં અને કાર પલ્ટી મારી ગઈ હતી. જેના પગલે કાર રોડની પાસેના બસ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ હતી. કાર ધડાકાભેર બસ સ્ટેન્ડમાં ઘૂસી જતાં કારનું પડીકુ વળી ગયું હતું. અકસ્માતમાં કારમાં સવાર ચારેય યુવકોનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું.

અકસ્માતની મળતી વિગતો પ્રમાણે જુનાગઢના માંગરોળ ખાતેના કલ્યાણ ગામ નજીકથી આ કાર ફૂલ સ્પિડમાં પસાર થઈ હતી. આ દરમિયાન બસ સ્ટેન્ડથી થોડે જ દુર કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દિધો હતો. જેને પગલે કાર પલ્ટી ખાઈ ગઈ હતી. એક મોટા ધડાકા જેવા અવાજ સાથે કાર બસ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ હતી. કાર બસ સ્ટેન્ડમાં ઘૂસી જતાં કારના કચ્ચરઘાણ વળી ગયા હતા.

જોરદાર અવાજથી લોકો ભેગા થયા અને ધીમે ધીમે લોકોની ભીડ પણ વધવા લાગી હતી. ચારેય યુવકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે ચારેય યુવકો મૃત્યુ પામી ચુક્યા હતા. અકસ્માતની જાણ થતાં પરિવારજનો પણ તુરંત દોડી આવ્યા હતા. પોલીસે પણ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં ચાર યુવકોનું મોત થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.