મેરાન્યૂઝ નેટવર્ક.જુનાગઢઃ જુનાગઢ શહેરમાં કાયદો-વ્યવસ્થાનું કોઈ અસ્તિત્વ જ ન હોય તેમ ગુનાખોરીની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. ખૂન, લૂંટ  અને બળાત્કાર જેવા ગુનાઓ અને ખુલ્લેઆમ વેંચાતા દારૂના વેચાણને રોકવામાં પોલીસ તંત્ર વામણુ સાબિત થઈ રહ્યું હોય તેવો ઘાટ ઘડાયો છે. ત્યારે ગત મોડી સાંજે શહેરનો પોશ વિસ્તાર ગણાતી જલારામ સોસાયટીમાં બેંકની રિકવરી કરવા ગયેલા બે ભાઈઓ પર જીવલેણ હુમલો થયાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક ભાઈનું મોત નિપજ્યું છે. અને બીજો ભાઈ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે રાજકોટ હોસ્પિટલે ખસેડાયો છે.

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર એચડીએફસી બેંકમાં લોન રિકવરીનું કામ કરતા ચિરાગ અશોકભાઈ વિઠલાણી જલારામ સોસાયટીના તિરૂપતિ એપાર્ટમેન્ટમાં રહેતા રવિ સંજયભાઈ લહેરૂને ત્યાં હપ્તો લેવા પહોંચ્યા હતા. દરમિયાન બંને વચ્ચે પ્રથમ બોલાચાલી અને બાદમાં ગાળાગાળી થયા બાદ ચિરાગ ત્યાંથી નિકળી ગયો હતો. જો કે રવિએ સાંજે હપ્તો લઈ જવાનું કહેતા તે પોતાના ભાઈ હાર્દિક સાથે ત્યાં ગયો હતો.

પરંતુ બંને ભાઈઓ તિરૂપતિ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ પાસે આવતાની સાથે જ રવિએ પાઇપ અને છરી સહિતના ઘાતક હથિયારો વડે હિંચકારો હુમલો કર્યો હતો. જેમાં હાર્દિકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. અને ચિરાગને ગંભીર હાલતમાં સારવાર માટે પ્રથમ તો જુનાગઢ અને ત્યારબાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો છે. ઘટનાની જાણ થતાં દોડી ગયેલી પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી છે.