મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ વેરાવળમાં રહેતો અને બાંટવા પીજીવીસીએલ સર્કલ ઈલેક્ટ્રીકલ આસી. તરીકે ફરજ બજાવતો વર્ગ 4નો કર્મચારી પોતાની આવક કરતાં 89.12 ટકા વધુ મિલકત ધરાવતો હોવાને પગલે એસીબીએ કેસ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે. તેની પાસેથી રૂ. 1 કરોડથી વધુની મિલકત મળી આવી છે.

એસીબીએ સરકારી અધિકારીઓ એને કર્મચારીઓ તથા તેમના સગા સબંધીઓના નામે મિલકતોમાં રોકાણના કેસો કરાયા છે. જેમાં બાંટવા વીજ સર્કલમાં ફરજ બજાવતા વર્ગ 4ના ઈલેક્ટ્રીક આસી. ભરત સાજણભાઈ ગરચર પણ છે. જેની સામે એસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. એસીબીએ છેલ્લા 5 મહિનાથી તપાસ હાથ ધરી છે.

તેની તપાસમાં એસીબીએ જાણ્યું કે રૂ. 1,03,22,597ની બેનામી મિલકતો છે. તે આમ તો વર્ગ 4નો કર્મચારી છે પરંતુ તેની પાસે ઓડી, મર્સિડિઝ, ફોર્ચ્યૂર્નર, ઈનોવા, એન્ડેવર જેવી કાર છે. અને તે પણ તેના પોતાના નામે છે. આ ઓછું હોય તેમ તેના ફોટોમાં સોનાના ઘરેણામાં પણ તેનું રોકાણ જોઈ શકાય છે. તેનું બેન્ક બેલેન્સ જ 65,82,200નું છે. જેમાંથી 56,23,200તો નોટબંધી થઈ તે પછીના ફક્ત ત્રણ વર્ષના સમયમાં બેન્ક ખાતામાં જમા કરાવ્યા છે. હજુ તેની વધુ તપાસ ચાલી રહી છે. શક્ય છે કે વધુ ચોંકાવનારી વિગતો સામે આવે.