મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં કોરોનાનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે ત્યારે અનેક લોકો રોજબરોજ નિયમોનો ભંગ કરીને ફરતા હોવાને કારણે પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જુલાઈ માસમાં કોરોના લોકો માટે કાળમુખા સાબિત થઈ રહ્યો છે સરેરાશ કોરોના દરરોજ એક વ્યક્તિને ભરખી રહ્યો છે. ૧૨ દિવસમાં કોરોનાથી ૯ લોકોના મોત સરકારી ચોપડે નોંધાઈ ચુક્યા છે રવિવારે મોડાસાની કોવીડ-૧૯ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ચેતનભાઈ શાહનું કોરોનાથી મોત નિપજતા તેમજ મોડાસા શાહી કોટ વિસ્તારમાં રહેતા અને શંકાસ્પદ દર્દી તરીકે દાખલ અબ્દુલ રહેમાન ચુડગર નામના વૃદ્ધનું મોત નિપજતા મોડાસા શહેરમાં ફફડાટ ફેલાયો છે. જીલ્લામાં વધુ બે કોરોનાના પોઝિટિવ કેસ નોંધાતા ૨૬૮ પર પહોંચ્યો છે. જીલ્લામાં આરોગ્ય તંત્ર કોરોનાને કાબુ લેવામાં નિષ્ફળ રહેતા કોરોનાનું સંક્રમણ બેકાબુ બની રહ્યું છે.

મોડાસા શહેર સહીત અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સાથે મૃત્યુ આંક પણ ઝડપથી વધી રહ્યો છે. કોરોનાનો મૃત્યુ આંક ઘટાડવામાં આરોગ્ય તંત્ર હવાતિયાં મારી રહ્યું હોય તેમ દિન-પ્રતિદિન કોરોનાગ્રસ્ત દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. મોડાસા શહેરમાં શંકાસ્પદ દર્દીઓની મોતની સંખ્યા ઝડપથી વધી રહ્યા છે. જે ચિંતાનો વિષય બની રહ્યો છે.

હાલ ચોમાસુ શરૂ થઈ ગયું છે. જેથી આ ઋતુમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને પાણીજન્ય રોગચાળાનો ખતરો પણ રહે છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક ૨૬૮ ને પાર થઈ ગયો છે. જેમાં અડધોઅડધ કેસ માત્ર છેલ્લા ૪૨ દિવસમાં જ નોંધાયા છે. અરવલ્લીમાં કોરોનાનો સૌપ્રથમ કેસ ૧૬ એપ્રિલના રોજ નોંધાયો હતો. લોકલ સંક્રમણનું જોર વધતાં લોકો રોજબરોજ કોરોનામાં સંપડાય છે. જે ચિંતાનો વિષય બની ગયો છે.