રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): બિહારના નાલંદા જિલ્લાના ઈસ્લામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 16 વર્ષનો કિશોર [જેને મુકેશ કહીએ] બેહદ ગરીબ. રહેવાની ઝૂંપડી પણ તૂટેલીફૂટેલી. પિતાની કમાણી ઉપર પરિવાર નભતો હતો. પિતાના અવસાન બાદ માતા અસ્થિર બની ગઈ. ખાવાપીવાનું મુશ્કેલ બન્યું એટલે મુકેશ કચરો વીણતો હતો. મુકેશથી નાનો એક ભાઈ હતો. ખાવાના સાંસા પડવાથી મુકેશે એક મહિલાનું પર્સ ચોરી લીધું. CCTV ફૂટેજના આધારે તે 7 માર્ચ, 2020ના રોજ પકડાઈ ગયો. જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યો. જજ માનવેન્દ્ર મિશ્રે મુકેશને સજા કરવાને બદલે છોડી મૂક્યો સાથે મુકેશ અને તેની વિધવા માતાની જિંદગી બદલાવી નાખી. જજ આવા પણ હોય? ‘ધ વાયર’માં પ્રકાશિત પત્રકાર ઉમેશકુમાર રાયનો રીપોર્ટ વિચારતા કરી મૂકે તેવો છે.

નિસબત એટલે શું? જજે કહ્યું : “ઉપલબ્ધ દસ્તાવેજોના અવલોકનથી જણાય છે કે મુકેશના પિતાનું મૃત્યુ થતાં તેની માતા અસ્થિર બની ગઈ છે. મુકેશને નાનો ભાઈ છે. મુકેશની આર્થિક સ્થિતિ નિમ્ન સ્તરની છે. બે ટક ખાવાનું મુશ્કેલ છે. મુકેશે પોતે કબૂલ કરેલ છે કે આવી અભાવગ્રસ્તતાને કારણે પરિવારને ભોજન મળે તે હેતુથી ચોરી કરવા પોતે વિવશ બની ગયો હતો. ઈસ્લામપુર પોલીસ સ્ટેશનના PSIએ; નિયમિત મુકેશના પરિવારની ખેરિયત લેવી અને દર ચાર મહિને મુકેશ અને એના પરિવારનો પ્રગતિ રીપોર્ટ આપવો. પરિવારનું રેશનકાર્ડ કઢાવવું. વિધવા પેન્શન અપાવવું તથા મુકેશને રોજગારલક્ષી શિક્ષણ આપવું.”

આ આદેશ બાદ મુકેશ અને તેમના પરિવારને ખાવા માટે ભટકવું પડતું નથી. રેશનકાર્ડ બની ગયું. એની માતાનું વિધવા પેન્શન શરુ થઈ ગયું. તૂટેલી ઝૂંપડીની જગ્યાએ પાકું મકાન બની ગયું. PSI શરદકુમાર રંજન કહે છે : ‘20 હજારમાં પાકું મકાન બની ગયું; 10 હજાર જજ સાહેબે આપ્યા અને 10 હજાર લોકફાળાથી મળ્યા.’ રેશન અને મકાન મળવાથી મુકેશ અને એની માતા ખુશ છે. મુકેશ કહે છે : ‘આ બધું જજ સાહેબે કરાવ્યું છે !’

(લેખક નિવૃત્ત IPS અધિકારી છે, અહીં તેમના વિચારો અને લેખન કલાને અહીં રજુ કરવામાં આવે છે)