મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભાજપના નવા અધ્યક્ષ તરીકે જે.પી નડ્ડાના નામ પર મહોર લગાવવામાં આવી છે. અમિત શાહે ગાંધીનગરમાંથી લોકસભાની ચૂંટણી જીત્યા અને ગૃહ પ્રધાન તરીકેની જવાબદારી લીધા બાદ જે.પી નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. જે બાદ નવા અધ્યક્ષ માટે પણ કામગીરી થઈ રહી હતી. ત્યારે હવે ભાજપના નવા અધ્યક્ષ તરીકે જે.પી નડ્ડાના નામ પર સહમતી બની ગઈ છે અને અમિત શાહના સ્થાને તેઓ ભાજપની સૌથી પાવરફૂલ બેઠક પર કામગીરી કરશે.

દિલ્હીમાં આજે ભાજપના કાર્યાલય પર આ અંગેની જાહેરાત પણ થઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને જે પી નડ્ડાના નામ પર સહમતી દર્શાવી હતી.

મૂળ રૂપથી હિમાચલી અને બિહારમાં જન્મેલા જે પી નડ્ડા લાંબા સમયથી ભાજપના રાષ્ટ્રીય રાજનીતિનો ભાગ રહ્યા છે. પહેલી વાર 1993માં હિમાચલ પ્રદેશમાં વિધાનસભામાં પહોંચનારા નડ્ડાનો જન્મ 2 ડિસેમ્બર 1960માં પટણામાં થયો હતો. પટણામાં જ સ્કૂલથી લઈને બીએ સુધી ભણ્યા અને ત્યાં જ તે આરએસએસના વિદ્યાર્થી સંગઠન એબીવીપી સાથે જોડાયા. તે પછી તે પોતાના ગૃહરાજ્ય હિમાચલ પ્રદેશ જતા રહ્યા અને એલએલબી કર્યું.

2012માં હિમાચલ પ્રદેશમાંથી તેઓને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. આ બાદ 2014માં ભાજપની સરકાર આવતા સ્વાસ્થય મંત્રીનું પદ આપવામાં આવ્યું હતું. PM મોદી અને અમિત શાહના ખાસ માનવામાં આવે છે. જ્યારે PM મોદી હિમાચલ પ્રદેશના પ્રભારી હતા તે દરમિયાન જેપી નડ્ડાની સાથે મુલાકાત થઈ હતી.