મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાને ભાજપના કાર્યકારી અધ્યક્ષ તરીકે એટલે કે ભાજપ વર્કિંગ પ્રમુખ તરીકે નિયુક્તી આપવામાં આવી છે. ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડ મીટીંગમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે પૂર્વ કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાના નામની ચર્ચા પહેલાથી જ ચાલતી હતી. ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. અમિત શાહ ભાજપ અધ્યક્ષ હજુ બની રહેશે. બેઠક બાદ રક્ષા મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહએ કહ્યું કે અમિત શાહના નેતૃત્વમાં ભાજપાએ ઘણી ચૂંટણીઓ જીતી, પરંતુ હવે જ્યારથી પ્રધાનમંત્રીએ તેમને ગૃહમંત્રી બનાવ્યા છે, અમિત શાહએ પોતે કહ્યું કે પાર્ટી અધ્યક્ષની જવાબદારી કોઈ અન્યને આપવી જોઈએ. ભાજપે બોર્ડમાં જેપી નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ નક્કી કર્યા છે.

59 વર્ષિય જગતપ્રકાશ નડ્ડા હિમાચલ પ્રદેશના પ્રતિષ્ઠિત અને સંપન્ન કુટુંબમાંથી આવે છે. તેમનાં માતા-પિતા તબીબ હતા. બી.એ., એલ.એલ.બી. સુધી અભ્યાસ કરેલા નડ્ડા વિદ્યાર્થીકાળથી રા.સ્વ.સંઘ સાથે સંકળાયેલા છે. વિદ્યાર્થી પરિષદ સહિત સંઘની વિવિધ સંસ્થાઓમાં સંગઠન ક્ષેત્રે કામગીરી નિભાવ્યા બાદ નડ્ડા ભાજપ સાથે જોડાયા હતા. 1993માં સૌ પ્રથમ વખત તેઓ હિમાચલ પ્રદેશ વિધાનસભામાં ચૂંટાયા હતા. ત્રણ વખત ધારાસભ્ય બનેલા નડ્ડા હાલ રાજ્યસભાના સભ્ય છે. મોદી સરકારની પહેલી ટર્મમાં તેઓ આરોગ્યમંત્રી તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે.

હાલમાં બીજેપી અધ્યક્ષ તરીકે અમિત શાહ છે. પરંતુ, તેમને ગૃહમંત્રી બનાવ્યા બાદ તેમની જગ્યા પર કોને સ્થાન મળશે તે મુદ્દે કેટલાક દિવસથી ચર્ચા જોર શોર પર હતી. જોકે, ડિસેમ્બર સુધી અમિત શાહ જ બીજેપીના અધ્યક્ષ રહેશે. એટલે કે, ડિસેમ્બર સુધી જે પી નડ્ડા કાર્યકારી અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવશે.