પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ,અમદાવાદ):પત્રકારત્વનો મુળ હેતુ માણસના જીવનમાં કઈક સારૂ થાય અને તેની સામે આવેલી મુશ્કેલીઓ દુર કરવામાં પત્રકાર મદદ કરે, સામાન્ય રીતે મોટા ભાગના પત્રકારોઓ આ કામ કરતા જ હોય છે. પણ અખબારનો પત્રકાર લખીને અને ટીવી ચેનલનો પત્રકાર બોલીને પોતાનું કામ કરતા હોય છે, પણ ગુજરાત અને દેશમાં એવા બહુ ઓછા પત્રકાર છે જે લખી અને બોલવાની સાથે પોતાની જીંદગીની વ્યકિતગત સમય લોકો માટે આપી લોકોની સમસ્યા દુર કરવાનું કામ કરે છે., હું જે પત્રકારની વાત કરી રહ્યો છુ તેવા એક ગુજરાતી પત્રકારનો ચહેરો તમે અનેક વખત તમારા ટીવીના સ્ક્રીન ઉપર જોયો હશે તેનું નામ છે જયેશ પારકાર

જયેશ પારકાર TV9 ચેનલમાં ભકતી કાર્યક્રમનું સંચાલન કરે છે. તમે જયેશને ભકતી કાર્યક્રમમાં વિવિધ વેશભુષામાં જોયો હશે પણ હાલમાં તે પોતાની વ્યકિતગત જીંદગીમાં એક ડૉકટર અને કાઉન્સીલરની ભુમીકા અદા કરી રહ્યો છે, છેલ્લાં બે મહિના દરમિયાન કોરોના પોઝીટીવ થયેલા 150 કરતા વધુ દર્દીઓને પોતાના જ ઘરે રહી કોરોનાની સારવાર કઈ રીતે થાય તેની સમજ આપી તેમને પોતાના ઘરે જ સાજા થવામાં મદદ કરી છે પણ ભકતીની વાત કરતો એક પત્રકાર કોરોનાની લડાઈમાં કેવી રીતે સામેલ થઈ જાય અને કઈ રીતે તે ઘરે ઘરે કોરોના વોરીયર તૈયાર કરવા લાગી ગયો,તેની વાત પણ રસપ્રદ છે.

આ અંગે જયારે જયેશ પારકારને પુછયુ ત્યારે તેણે જે કહ્યુ તે તેના જ શબ્દોમાં કહીએ તો અમારી ટીવી નાઈનની ઓફિસમાં એક મહિલા કર્મચારીને કોરાના પોઝીટીવ આવ્યો એટલે ચેનલ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે તમામ સ્ટાફના ટેસ્ટ કરાવી લેવામાં આવે, મને કોઈ તકલીફ ન્હોતી, એટલે મેં નક્કી કર્યુ હતું કે મારે ટેસ્ટની કોઈ જરૂર નથી, તેમજ જે કર્મચારીને પોઝીટીવ ટેસ્ટ આવ્યો હતો તેના હું સંપર્કમાં પણ ન્હોતો એટલે હું માનતો હતો કે મને કોરાના થઈ જ શકે નહીં, તા 1 મેના દિવસે આખો દિવસ ટેસ્ટ ચાલ્યા, હું ટેસ્ટ કરાવવા ગયો નહીં , પણ બધાના ટેસ્ટ પુરા થઈ ગયા પછી ટેસ્ટ કરનાર ટીમે કહ્યુ એક ટેસ્ટ કીટ વધી છે કોઈનો ટેસ્ટ બાકી છે, મને લાગ્યુ કે ટેસ્ટ કીટ વધી છે તો હું કરાવી લઉ.

મે તો અમસ્તો ટેસ્ટ કરાવ્યો હતો પણ જયારે રીપોર્ટ આવ્યો ત્યારે મને ખબર પડી કે હું પોઝીટીવ છુ, જો કે મને ડર ન્હોતો લાગ્યો, કારણ કોરોનાને કેવી રીતે રોકી શકાય અને તેમાંથી કેવી રીતે બહાર આવી શકાય તેવુ હું મારી ચેનલ ઉપર દર્શકોને કહેતો. મે જાતે જ એબ્મુલન્સનો ફોન કર્યો અને હોસ્પિટલ જવાનો નિર્ણય કર્યો, પણ તે દિવસ મને કયાં એડમીટ કરવો તે નિર્ણય લેવામાં તંત્રને આખો દિવસ લાગ્યો, મને કોરોનાના કોઈ લક્ષણ ન્હોતા, પણ આખો દિવસ એમ્બુલન્સમાં રહેવાને કારણે મારૂ ટેમ્પરેચર પહેલા 102 અને પછી 100 બતાડતુ હતું જેના કારણે મને અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં ભરતી કરવાાં આવ્યો

તે હોસ્પિટલ હતી,મારુ ઘર ન્હોતુ, માહોલ ડરામણો હતો, ત્યાં નાના બાળકોથી એંસી વર્ષના વૃધ્ધ હતા, મોટા ભાગના ડરેલા હતા, બધા જ પાસે કોઈને કોઈ પ્રશ્ન હતા, પણ ત્યાં રહેલો મેડીકલ સ્ટાફ બધાને સમજાવી શકે એટલો સમય અને ધીરજ તેમની પાસે ન્હોતી, મેં જોયુ તો મારા વોર્ડમાં SVP હોસ્પિટલના જ એક ડૉકટર જે પણ પોઝીટીવ દર્દી તરીકે ત્યાં દાખલ થયા હતા તેમને જોઈ મારી હિંમત વધી, તે જ વખતે મને જાણકારી મળી કે સમરસ ગુજરાત સરકારે ભાવનગરના એક આયુર્વેદીક ડૉકટર મહેન્દ્ર સરવૈયાની સેવા લેવાની શરૂઆત કરી છે, મેં તેમને ફોન જોડયો,તેમણે મને સલાહ આપી કે માઈલન્ડ કોરોના લક્ષણો હોય તો ઘરમાં રહેલી વસ્તુઓ દ્વારા જ સાજા થઈ શકાય છે. સુંઠવાળુ ગરમ પાણી, મગ થોડાક ઉપવાસ અને હળવા ભોજન દ્વારા કોરોનોના મહાત આપી શકાય છે.

હું હોસ્પિટલમાં હતો, પણ મેં એલોપથી દવા લેવાને બદલે ડૉ મહેન્દ્ર સરવૈયાની સુચના પ્રમાણે ઘરેલુ ઉપચાર અને સાવ સામાન્ય આર્યુવેદીક દવા શરૂ કરી,બીજી તરફ મેં જોયુ તો હોસ્પિટલમાં જે દર્દીઓ દાખલ હતા તે ખુબ ડરેલા હતા, મેં તેમની સાથે વાત કરવાની શરૂઆત કરી, મને લાગી રહ્યુ હતું કે લોકો કોરોના કરતા કોરોનાના ડરને કારણે મરી રહ્યા છે, હું જેમ જેમ લોકો સાથે વાત કરતો ગયો તેમ તેમ મને સમજાવવા લાગ્યુ કે કોરાનાના દર્દી સાથે યોગ્ય રીતે વાત થાય, તેમની હિંમત વધે, અને સમજ સ્પષ્ટ થાય તો કોરોનાના દર્દી આપોઆપ સાજા થાય છે, દરેક પોઝીટીવ દર્દીઓને તો હોસ્પિટલ સુધી જવાની પણ જરૂર નથી ઘરમાં જે ઉપલ્બધ છે તેના દ્વારા જ સારવાર મળી શકે છે.

હું હોસ્પિટલ હતો,ત્યારે મારી સોસાયટીના લોકો અને મિત્રો ચિંતીત હતા,એટલે હું તેમને રોજ એક ઓડીયો મેસેજ મોકલતો અને કઈ રીતે કોરોનાથી બચી શકે તેની સમજ આપતો હતો, આમ હું હોસ્પિટલમાં રહી બહારના લોકોની હિંમત વધારી રહ્યો હતો દસ દિવસ પછી હું નેગેટીવ થઈ ઘરે પાછો આવ્યો ત્યારે મને લાગ્યુ કે મેં જે કઈ કર્યુ અને હુ જે રીતે કોરાનોમાંથી બહાર આવ્યો તેવી રીતે લોકો પોતાના ઘરે જ રહી આ લડાઈ બહુ સહજ રીતે લડી શકે, બહુ ગંભીર સ્થિતિ ના હોય ત્યાં સુધી તો હોસ્પિટલ જવાની જરૂર નથી, મેં મારા પરિચીતમાં જેમને પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે તેમની સાથે વાત કરવાની શરૂઆત કરી.

સુંઠનું ગરમનું પાણી, મગ જેવા ઘરેલુ ઉપચાર દ્વારા સારવાર કરવાની સલાહ આપી, પછી તો મારૂ આ રોજનું કામ થઈ ગયુ છે,હવે રોજ સવાર-સાંજ એક કલાક કોરોનાના દર્દીઓ સાથે વાત કરી તેમને સમજ-સારવાર અને હિમંત આપુ છુ હમણાં સુધી 150 દર્દીઓ સાથે વાત કરી તેમને સાજા કર્યા છે. હું જેઓ સાજા થાય છે તેમને એટલી વિનંતી કરૂ છુ કે મારી જેમ તમે પણ કોરાના અંગેની સમજ બીજા લોકોને આપી તેમની મદદ કરો,જેમને પણ મારી ખરેખર મદદની જરૂર છે તેઓ મારા ફેસબુકના મેસેન્જરમાં પોતાનો કોન્ટેકટ નંબર મુકશે તો હું ચોક્કસ તેમનો સંપર્ક કરીશ.

જયેશ પારકાર સાથે જે કઈ વાત થઈ, તેને યોગ્ય રીતે ઓછા શબ્દોમાં મુકવામાં આવી છે, પણ જયેશનું કામ જોઈએ એટલુ જ કહેવાનું મન થાય છે થેંકયુ જયેશ, લવ યુ..