પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): થોડા દિવસ પહેલા મારો એક મિત્ર અમદાવાદ કોર્પોરેશનનો પ્રશ્ન લઈ મારી પાસે આવ્યો, મેં સંબંધીત અધિકારી સાથે વાત કરી, થોડા દિવસ સુધી અધિકારીઓ સાથે માથાકુટ કરી અને મારા મિત્રનો પ્રશ્ન હતો તે ઉકેલાઈ ગયો. તે ખુબ ખુશ થયો, તેણે મારા ખુબ વખાણ કર્યા, તેણે મારો વટ કેવો છે તેવી વાતો પણ બીજા મિત્રો સાથે કરી. કોઈ પ્રસંશા કરે એટલે સ્વભાવીક સારૂ લાગે, પત્રકારત્વમાં ત્રીસ વર્ષ થયા હોવાને કારણે વિવિધ વિભાગના અધિકારીઓ ઓળખે અને આપણે જેના માટે ભલામણ કરીએ તેમના કામ પણ થઈ જાય તે સારી બાબત છે, પણ મને થોડા વર્ષોથી ક્રમશઃ સમજાવવા લાગ્યું છે કે આ આદર્શ  સ્થિતિ નથી.

મેં થોડા દિવસ પહેલા મિત્રનું કોર્પોરેશનનું કામ કર્યું હતું, તે પાછો આવ્યો તેની પાસે બીજી એક સમસ્યા હતી તેની સમસ્યા પણ વાજબી હતી. હું ફરી કોઈ અધિકારીને ફોન કરતો અને તેની સમસ્યાનો ઉકેલ આવી જતો, પણ મને લાગ્યું કે મારે તેવું કરવું જોઈએ નહીં. હું પત્રકારત્વના વિદ્યાર્થીઓને ભણાવું છું. મને ખબર છે કે હું જેમ પત્રકારત્વના કલાસરૂમમાં ભણી શક્યો નથી તેમ મારા વિદ્યાર્થીઓ પણ પત્રકારત્વ કલાસરૂમમાં ભણી શકવાના નથી, એટલે અમે નક્કી કર્યું છે કે પત્રકારત્વના વિદ્યાર્થીઓને બે જ વાત ભણાવવાની છે પહેલી તો આવુ કેમ? કારણ આપણે પોતાને અને તંત્રને આવું કેમ તેવું પુછવાનું ભુલી ગયા છીએ. જેના કારણે આપણે પ્રશ્ન પુછવાનું જ ભુલી ગયા છીએ.

અમે પત્રકારત્વના વિદ્યાર્થીઓને રોજ ઠોંસા મારીને કહીએ છીએ કે પ્રશ્ન પુછો, પ્રશ્ન પુછશો તો જવાબ મળશે, કદાચ તમારો પ્રશ્ન કોઈને મુર્ખતા ભરેલો લાગે તો પણ વાંધો નહીં, પ્રશ્ન થવો અને પ્રશ્ન પુછવાની આદત કેળવવી પડશે અને બીજી બાબત અમે પત્રકારત્વના વિદ્યાર્થીઓને લડવાની તાલીમ આપીએ છીએ. લડવાનો અર્થ શારિરીક નથી, પણ જ્યારે આપણને કઈ ખોટું લાગે ત્યારે પ્રશ્ન પુછી તે પ્રશ્નના ઉકેલ સુધી તેની પાછળ પડી જવાની વાત છે. જેને પ્રશ્ન પુછતા અને તંત્ર સામે લડતા આવડી જાય તે તમામ પત્રકાર છે. કારણ પત્રકારના આ જ બે મુખ્ય કામ છે, એટલે મારો મિત્ર કોર્પોરેશનની બીજી સમસ્યા લઈ આવ્યો તેને પ્રશ્ન પુછ્યો કે તારી સમસ્યા માટે તે કોઈને રજૂઆત કરી તો તેણે કહ્યું ના મેં કહ્યું પહેલા તું અધિકારીને મળવા જા તારી વાત કર અને પરિણામ ના મળે તો હું તારી સાથે આવીશ.

પહેલા એવું થતું કે કોઈ વ્યકિત મને તેની સમસ્યા મોકલે અને સમસ્યા વાજબી હોય તો હું તેની સમસ્યાને સમાચાર મારફતે વાંચા આપતો હતો, કારણ તે મારૂ પ્રાથમિક કામ છે, પણ હવે હું તેવું કરતો નથી, એક સરકારી અધિકારીએ મને તેના વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે જાણ કરી મેં તેમને સવાલ કર્યો કે તમારા વિભાગમાં જે ખોટું થઈ રહ્યું છે તેમાં તમારે કોઈ સાથે બદલો લેવો છે કે ખોટું થઈ રહ્યું છે તેની તકલીફ પડે છે, હું તે અધિકારીને ઓળખતો હતો મને ખબર હતી કે તેમની અંદર બદલો લેવાની ભાવના નથી પણ તેમને દાઝી રહ્યું છે માટે તેઓ મને કહી રહ્યા છે. આ પણ સારી નિશાની છે કારણ હવે ખોટું થાય આપણે કેટલા ટકા તેવું માનનારની સંખ્યા પણ વધી રહી છે ત્યારે આ પ્રકારના અધિકારી તંત્રમાં હોવા છતાં આગળ આવે તે સારી બાબત છે.

આમ છતાં આપણને જરૂર છે દરેક સ્થળે એક લડવૈયાની, મેં તેમને પુછ્યું કે તમે તમારા વિભાગના વડાને જે ચાલી રહ્યું છે તેની જાણ કરી, તેમણે મને કહ્યું ના.. હું તે અંગે બોલીશ તો મને તકલીફ પડશે, મેં કહ્યું કોઈ પણ લડાઈ કિંમત ચુકવ્યા વગર લડાતી નથી, તમારે બોલવું પડશે-લડવું પડશે કારણ તમારો વિભાગ તમારૂ ઘર છે તમારા ઘરમાં કઈ ખોટું થાય ત્યારે તમને કોઈ બહારનો મદદ કરવા આવશે તેવી આશા રાખવી વાજબી નથી. હું જરૂર લખીશ પણ પહેલા તમે અંદર રહી તમારી વાત કરો, હવે કોઈ મારી પાસે કોઈ સમસ્યા લઈ આવે અને મને કહે કે તમે લખો ત્યારે પહેલા કહું છું કે પહેલા તમે રજૂઆત કરો પછી હું લખીશ હજી હમણાં જ કોંગ્રેસના એક ધારાસભ્ય તેમના મત વિસ્તારમાં સરકાર કામ કરતી નથી તેવી હૈયા વરાળ ઠાલવતા હતા.

મેં તેમને કહ્યું તમે કોંગ્રેસમાં છો, પણ તમારા મતદારો તો રાજ્યના છે, તમે મુખ્યમંત્રીને મળી તમારા વિસ્તારની વાત કરી, તેમણે મને કહ્યું ના.. મેં કહ્યું તમારે મુખ્યમંત્રી પાસે જવું જોઈએ, મુખ્યનમંત્રી ભલે ભાજપના હોય અને તમે કોંગ્રેસના પણ પ્રજા તો કોઈ પક્ષની નથી, તમે તમારા વિસ્તારની વાત કરશો તો મુખ્યમંત્રી એવું કહેશે નહીં કે, તમારા વિસ્તારના લોકોએ કોંગ્રેસને મત આપ્યો એટલે હું ત્યાં કામ કરીશ નહીં. આમ ધારાસભ્યની પણ આ સ્થિતિ છે, આપણે લોકોને પ્રશ્ન પુછતાં અને લડતા કરવાની જરૂર છે, કારણ આપણે ત્યાં લોકો માટે પ્રશ્ન પુછતા અને લડતા પત્રકાર-લીડરોની સંખ્યા નાની છે ત્યારે દરેક નાગરિક પ્રશ્ન પુછતો અને લડતો થઈ જશે તો સમસ્યા આપમેળે ઓછી થઈ જશે.