રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): કોઈ ચતુર માણસ; બીજાનો કાંટો કાઢવા એટલે કે તેની હત્યા કરવા જાતે છરી મારતો નથી, જાતે ફાયરિંગ કરતો નથી. પરંતુ બીજા કોઈકના હાથમાં છરી/રીવોલ્વર પકડાવીને હત્યા કરાવે છે ! એના માટે વેતન ચૂકવે છે; તેને સોપારી કહે છે. જેવું ગુનાખોરીમાં એવું જર્નાલિઝમમાં પણ બને છે. પૈસા/સવલતો મેળવીને બીજા ઉપર કાદવ ઊછાળવામાં આવે છે. સોપારી જર્નાલિઝમમાં સતાપક્ષ; વિપક્ષના નેતાઓને તું-તારી કરીને ઊતારી પાડે છે ! ટીવી ચેનલોના એન્કર આવેશમાં આવીને પોતાની ચેરમાં બેઠા બેઠા બૂમ-બરાડા પાડવા લાગે છે; કેમકે તેને ખ્યાલ હોય છે કે દિલ્હીમાં બેઠેલા સત્તાપક્ષના નેતા તેની પીઠ થાબડવાના છે ! ઉપરાંત, અપેક્ષા કરતા પણ સોરો અભિનય કરો છો; એવું સર્ટિફિકેટ પણ અવશ્ય મળે; પદ્મશ્રી રુપે !


 

 

 

 

આધુનિક ભારતીય ન્યૂઝ ટેલિવિઝનના ખલનાયક છે અર્ણબ ગોસ્વામી. તે કહે છે કે ‘રાષ્ટ્રવાદી હોવું તે પત્રકાર બનવાની પૂર્વ શરત છે !’ રાષ્ટ્રવાદી પત્રકારોનો રાફડો ફાટ્યો છે. રજત શર્મા/અર્ણબ ગોસ્વામી/સુધરી ચૌધરી/દીપક ચૌરસિયા/રોહિત સરદાના/અમિશ દેવગન/રુબિકા લિયાકત/શ્વેતાસિંહ વગેરેના જર્નાલિઝમનો પાયો એ છે કે “જો તમે રાષ્ટ્રવાદી નથી તો દેશદ્રોહી છો ! જો તમે ચોકીદારના સમર્થક નથી તો તમે ટુકડે-ટુકડે ગેંગના સભ્ય છો; અર્બન નક્સલ છો; પાકિસ્તાન તરફી છો; ઢોંગી સેક્યુલરિસ્ટ છો; ઢોંગી હ્યુમેનિસ્ટ છો; અરે માણસ પણ નથી !” ગોદી પત્રકારો માને છે કે પોતે રાષ્ટ્રીય કર્તવ્ય બજાવે છે એટલે જર્નાલિઝમના સિદ્ધાંતોને તિલાંજલિ આપવામાં વાંધો નહીં ! સાથે બોનસ રુપે TRP માં ઉછાળો આવી જાય તો સિધ્ધાંતોની ચિંતા નહીં ! આપણને એવું લાગે કે રોજ રાત્રે  રાષ્ટ્ર/દેશપ્રેમ/પાકિસ્તાન ઉપર ગળા ફાડીને કરાતી ચર્ચાઓ અને ઊભા કરેલ દેશદ્રોહીઓની વિરુદ્ધ નફરત ભડકાવવાનું કામ TRP ને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે; દર્શકોને જે જોવું છે તે પીરસવામાં આવે છે- ડિમાન્ડ અને સપ્લાયનો કોમર્શિયલ ખેલ છે ! પણ ના; એવું નથી. આ આખો ખેલ; સત્તાપક્ષના નેતાને ઇષ્ટદેવ કરતા ચડિયાતા દેખાડવા માટે/આ ઇષ્ટદેવ ક્યારેય ભૂલ કરી શકે નહીં કે ખોટું કરી શકે નહીં; તેવો ખાસ માહોલ ઊભો કરવા માટે આયોજનબધ્ધ રીતે થઈ રહ્યો છે ! ગોદી મીડિયા માત્ર સત્તાપક્ષના એજેન્ડાનો પ્રચાર કરે છે એવું નથી; એનું મુખ્ય કામ તો બીજા અવાજોને દબાવવાનું છે ! સત્યને જૂઠ કહેવાનું અને જૂઠને સત્ય કહેવાનું છે ! વિરોધીઓના અવાજને કચડવાનું છે ! ટેલિવિઝન ચેનલ સાથે, સોશિયલ મીડિયા; ટ્રોલ્સની ફૌજ અને જૂઠા સમાચારોની ફેક્ટરીઓ સામેલ છે. બીજાઓ પ્રત્યે નફરત દ્રઢ કરવાનો ગોદી મીડિયાનો રેકોર્ડ બેહદ શરમજનક છે !

સુશાંતસિંહ રાજપૂતની હત્યા થઈ છે; એવી ઝૂંબેશ ત્રણ મહિનાથી અર્ણબ ગોસ્વામી અને સ્વઘોષિત રાષ્ટ્રવાદી ચેનલોએ ચલાવી હતી અને મહત્વના રાષ્ટ્રીય મુદ્દાઓને ઢાંકી દીધાં હતાં. અર્ણબ ગોસ્વામીના જર્નાલિઝમનો નમૂનો જૂઓ; તે બરાડા પાડીને કહે છે : “ક્યા કર લોગે સંજય રાઉત? કૌન હો તુમ? એ સંજય રાઉત મુંબઈ તુમ્હારી હૈ? મુંબઈ તુમ્હારી હૈ સંજય રાઉત? મુંબઈ મેરી કર્મભૂમિ હૈ; સુન લે સંજય રાઉત ! મુંબઈ મેરી ભી હૈ, સુન લે સંજય રાઉત ! તુમ ક્યું તરફદારી કર રહે હો મુંબઈ પોલીસ કમિશ્નર કી? એ અનિલ દેશમુખ તુમ જાગીરદાર હો મુંબઈ કે? આજ તુમ ગૃહમંત્રી હો, કલ ઓપોઝીશન મેં હોગા; કોન હો તુમ? બતાઓ મુઝે ! દેશ જાનતા હૈ; ડરતા વો હૈ, જીસે પકડે જાને કા ખૌફ હોતા હૈ; અનિલ દેશમુખ ઔર સંજય રાઉત ! ડરતા વો હૈ; જીસે રાઝ ખુલને કા ખૌફ હોતા હૈ ! ડરે હુએ હો તુમ ! ઉધ્ધવ ઠાકરે, અનિલ દેશમુખ ઔર સંજય રાઉત કો મૈં આમંત્રિત કરતા હૂં; વન ટુ વન બાતોમેં, મૈં ઈન્ટરવ્યૂ કરુંગા ! હૈ હિમ્મત? હૈ હિમ્મત?” એઈમ્સના ડોક્ટર્સની પેનલે પોતાનો રીપોર્ટ CBIને 29 સપ્ટેમ્બર 2020 ના રોજ સોંપેલ છે; તેમાં સુશાંતસિંહની હત્યા નહીં પણ આત્મહત્યા છે; તેમ કહ્યું છે ! સુશાંતસિંહની હત્યા સાબિત કરવા અને તે માટે મહારાષ્ટ્રના સંસદસભ્ય/હોમ મિનિસ્ટર/CMને બદનામ કરવાની નકલી રાષ્ટ્રવાદી અર્ણબ ગોસ્વામીના આ બેહૂદા જર્નાલિઝમ-પત્રકારત્વ પાછળ મોટી સોપારી કારણભૂત છે !

(લેખક નિવૃત્ત IPS અધિકારી છે, અહીં હેતુ માત્ર તેમના વિચારો અને લેખન કલાને રજુ કરવાનો છે)