મેરાન્યૂઝ નેટવર્ક.વોશિંગ્ટન: અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેને સોમવારે તેની વ્હાઇટ હાઉસ ઓફિસની ડિજિટલ સ્ટ્રેટેજી ટીમના સભ્યોની ઘોષણા કરી. કાશ્મીરમાં જન્મેલી આઈશા શાહને વ્હાઇટ હાઉસની ડિજિટલ ટીમમાં વરિષ્ઠ હોદ્દાઓ પર રાખીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. બિડેનેની ટીમે કરેલી ઘોષણા મુજબ શાહને વ્હાઇટ હાઉસ ઓફિસ ઓફ ડિજિટલ સ્ટ્રેટેજીમાં ભાગીદારી મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ આ ટીમનું નેતૃત્વ ડિજિટલ સ્ટ્રેટેજીના ડિરેક્ટર રોબ ફાલેહર્ટી કરશે. આ પહેલા બિડેનની ટીમમાં પસંદગી પામેલા આઈશા શાહ બિડેન-હેરિસ અભિયાનમાં ડિજિટલ પાર્ટનરશીપ મેનેજરની ભૂમિકા નિભાવી ચૂકી છે. તે હાલમાં સ્મિથસોનિયન સંસ્થામાં એડવાન્સમેન્ટ નિષ્ણાત તરીકે કાર્યરત છે.

વ્હાઇટ હાઉસ ઓફિસ ઓફ ડિજિટલ સ્ટ્રેટેજી ટીમમાં, શાહ ઉપરાંત, બ્રેન્ડન કોહેન (પ્લેટફોર્મ મેનેજર), મહા ઘાનડોર (ડિજિટલ પાર્ટનરશિપ મેનેજર), જોનાથન હેબર્ટ (વીડિયો ડિરેક્ટર), જેમી લોપેઝ (પ્લેટફોર્મ્સના ડિરેક્ટર) નો સમાવેશ થાય છે.

બિડેને કહ્યું, "નિષ્ણાતોની આ ટીમને ડિજિટલ સ્ટ્રેટેજી બનાવવાના ક્ષેત્રે ઘણો અનુભવ છે અને વ્હાઇટ હાઉસને અમેરિકન લોકો સાથે નવી રીતે જોડવામાં મદદ કરશે. અમે રાષ્ટ્રને વધુ સારું બનાવવા માટે  એક સહિયારી પ્રતિબદ્ધતા સાથે આગળ વધીએ છીએ. અને હું તેને મારી ટીમમાં સામેલ કરી ખુશ છું.