મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાતમાં આવી રહેલા વાયુ વાવાઝોડા વખતે ગુજરાતના મીડિયાએ ખાસ કરી ટેલીવીઝનના પત્રકારોએ પ્રજાને સલામત સ્થળે જતા રહેવાની આપેલી ચેતવણી અને મદદ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરમાં પત્રકારોની આ ભુમિકાની કદર કરી તેમનો આભાર માન્યો હતો, પણ આ ઘટનાના ચોવીસ કલાકમાં જ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ તેમના માટે યોજવામાં આવેલા સન્માન સમારંભમાં ટીવીના પત્રકારોને ભુંગાળાવાળા કહ્યા હતા.

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં 26 બેઠકો જીતી જતા ભાવનગરના વેપારીઓ દ્વારા નાગરિક સમિતિ બનાવી જીતુ વાઘાણીનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો. આ સમારંભમાં વાઘાણી ફરી પ્રમાણભાન ભુલ્યા હતા અને મંચ ઉપર બોલતા ટીવીના પત્રકારો માટે કહ્યું હતું કે, ચૂંટણી વખતે નકારાત્મક વાતાવરણ ઉભુ કરવામાં આવ્યું હતું. ચેનલો વાળા ભુંગળા લઈ દોડાદોડી કરતા હતા. નારાજ વેપારી અને નારાજ ખેડૂતો બતાડતા હતા, પણ પરિણામ શું આવ્યું તે તમારી નજર સામે છે. અમે સકારાત્મક વાતોમાં માની છીએ અને એટલે ગુજરાત અને દેશની જનતાએ અમને મત આપ્યો છે.

જીતુ વાઘાણનો વાણી વિલાસ સાંભળી સમારંભમાં હાજર શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ પણ ભાન ભુલ્યા અને તેમણે કહ્યું અમે પાંચ મહિનાની અંદર બંગાળને ગુજરાત બનાવી દઈશું અને દેશને એક કરવાની વાત કરવાને બદલે ચુડાસમાંએ બંગાળને ગુજરાત બનાવી દેવાની વાત કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, ભાજપના નેતાની અસહિષ્ણુતાનું આ ઉદાહરણ છે. તેમને પસંદ વાતો જ્યાં સુધી મીડિયા બતાડે ત્યારે તેમને વાંધો આવતો નથી, પરંતુ જ્યારે વિરોધ પક્ષ અથવા પ્રજાની વાત કરે ત્યારે આ મીડિયાવાળા ભુંગળાવાળા બની જાય છે. 1990ની દસકમાં જ્યારે ભાજપ હજી સત્તા ઉપર ન્હોતુ અને મીડિયાવાળાને કાકલુદી કરવી પડતી, તે દિવસો ભાજપના નેતાઓ સત્તાના મદમાં ભુલી ગયા છે.

જીતુ વાઘાણી મીડિયાવાળા માટે જે બોલ્યા તે તેમના ફેસબુક પેજ ઉપર પણ જોઈ શકાય કારણે આ સમારંભ ફેસબુક ઉપર લાઈવ કરવામાં આવ્યો હતો.