મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ભાજપના પુર્વ ઉપાધ્યક્ષ અને પુર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યાને એક મહિનો પુરો થઈ ગયો છે. તપાસ હજી તસુભાર આગળ વધતી નથી, પરંતુ પોલીસ તપાસમાં જે તથ્ય સામે આવ્યા છે. તેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મધ્યસ્થતા કરી હોત તો કદાચ જયંતિ ભાનુશાળીની હત્યા ટાળી શકાઈ હોત. પોલીસની તપાસમાં બહાર આવેલી વિગત પ્રમાણે જયંતિ ભાનુશાળી અને છબીલ પટેલ વચ્ચે દુશ્મનાવટ વધી ત્યાર બાદ આ પ્રશ્નનો અંત આવે તે માટે છબીલ પટેલ દ્વારા જીતુ વાઘાણીને પત્ર પાઠવી બંન્ને વચ્ચે મધ્યસ્થી કરવા માટે વિનંતી કરી હતી, પરંતુ તે દિશામાં તેમના તરફથી કોઈ પ્રત્યુતર મળ્યો ન્હોતો.

ઉપરાંત છબીલ પટેલ અને જયંતિ ભાનુશાળી વચ્ચે મધ્યસ્થી કરનારઓ સાથે પણ છબીલ પટેલે ભુજમાં ચર્ચા કરી હતી, પરંતુ કોઈ તેના માટે તૈયાર નહીં થતાં જયંતિ ભાનુશાળીની હત્યા સુધી મામલો પહોંચ્યો હતો.

આમ તો 2012માં જયંતિ ભાનુશાળીની ટીકીટ કાપી  છબીલ પટેલને ટીકીટ આપવામાં આવી ત્યારથી જ જયંતિ ભાનુશાળી નારાજ થઈ ગયા હતા. 2017ની ચૂંટણીમાં જ્યારે છબીલ પટેલની હાર થઈ ત્યારે છબીલ પટેલ એવું માનવા લાગ્યા હતા કે, તેમને જયંતિ ભાનુશાળીએ જ હરાવ્યા છે. જેના કારણે તેમના વચ્ચેની ખાઈ વધી હતી, આ ગાળામાં જયંતિ ભાનુશાળીની સ્ત્રી મિત્ર મનિષા ગોસ્વામી અને તેમના વચ્ચે આર્થિક લેવડ-દેવડ બાબતે વિવાદ થતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો અને મનિષા જેલમાં પણ ગઈ હતી. જો કે ત્યાર બાદ દુશ્મનનો દુશ્મન મિત્ર તેમ છબીલ પટેલ અને મનિષાએ હાથ મિલાવ્યા અને જયંતિના તમામ રાઝ જાણનાર મનિષા દ્વારા પાસા ફેંકવામાં આવ્યા, જેમાં જયંતિ ભાનુશાળી સામે સુરતમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી.

મનિષાનો ઉપયોગ કરી અનેક નેતાઓ અને અધિકારીઓની હની ટ્રેપ કરાવનાર જયંતિ ભાનુશાળી સામે હવે તે જ સ્ટાઈલમાં ફરિયાદ થતાં તેઓ ભુગર્ભમાં જતા રહ્યા હતા. જો કે ત્યાર બાદ જયંતિ અને છબીલનું સમાધાન થાય તે માટે મનજીબાપુ અને ભીમજીભાઈએ પ્રયત્ન કર્યા અને સમાધાન કરાવ્યું હતું.

જેના કારણે સુરતની દુષ્કર્મની ફરિયાદ પાછી ખેંચાઈ હતી. હવે આ મામલે બધુ પતી ગયું છે તેવું છબીલ પટેલ માની રહ્યા હતા પણ જયંતિભાનુશાળી દુશ્મની ભુલ્યા નહીં અને છબીલ પટેલ સામે દિલ્હીમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે ઘણા દિવસો સુધી ફરાર રહેનાર છબીલ પટેલને આગોતરા જામીન મળ્યા પછી તેમણે જીતુ વાઘાણી સહિત મનજી બાપુ અને ભીમજીભાઈને વિનંતી કરી કે, તમે મધ્યસ્થી કરી પુરૂ કરો અને છબીલ પટેલે તો ત્યાં સુધી ખાતરી આપી હોવાનું કહેવાય છે કે તેઓ અબડાસાનું રાજકારણ પણ છોડી દેશે.

પરંતુ મનજીબાપુ અને ભીમજીભાઈ જે અગાઉ જયંતિ વતી સમાધાન માટે આવ્યા હતા તેમણે કોઈ પણ પ્રકારની મધ્યસ્થી કરવાની ના પાડી દીધી હતી. જેના કારણે છબીલ પટેલ હતાશ થયા હતા, આ દરમિયાન છબીલ પટેલના પુત્રને ગાંધીનગર ઉપર હાઈવે પર કોઈ અજાણ્યા યુવકોએ ધમકી આપી હતી. છબીલ માની રહ્યા હતા કે, જયંતિ દ્વારા માણસ મોકલામાં આવ્યા હતા આમ છબીલના મનમાં એક ડર ઘરી ગયો હતો, જેના કારણે મામલો એકબીજાને પુરા કરો ત્યાં સુધી પહોંચ્યો અને છબીલ પટેલ દ્વારા જયંતિની વાર્તા પુરી કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.