મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: દેશના પાંચ રાજ્યો છત્તીસગઢ, મિઝોરમ, રાજસ્થાન, તેલંગણા અને મધ્ય પ્રદેશમાં આગામી નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. જેમાં દલિત યુવા નેતા અને વડગામના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેસ મેવાણી રાજસ્થાન, મધ્યપ્રદેશની ચૂંટણીમાં પ્રચારના મેદાને છે અને મીટીંગો અને સભાઓને સંબોધી રહ્યા છે.

મેરાન્યુઝ સાથેની વાતચ વાતચીતમાં જીજ્ઞેસ મેવાણીએ જણાવ્યું હતું કે “અત્યાર સુધી મેં મારા રાજસ્થાનના પ્રવાસ દરમિયાન ૨૫,૦૦૦ દલિત સમુદાયના લોકોને શપથ લેવડાવી ચુક્યા છે કે તેઓ ભાજપને મત નહી આપે અને આવનાર દિવસો દરમિયાન ૧ લાખ જેટલા દલિતોને શપથ લેવડાવશે કે તેઓ ભાજપને મત નહી આપે.”

જીગ્નેશે વધુમાં જણાવ્યું કે તેઓ ૫ રેલીઓ કરી ચુક્યા છે અને આવનાર સમયમાં આ ચૂંટણી પહેલા રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં  ૫૦ જેટલી રેલીઓ કરશે. આ રેલીઓમાં કન્હૈયા કુમાર, ઉત્તર પ્રદેશના ભીમ આર્મીના નેતા ચંદ્રશેખર આઝાદ રાવણ, OBC એકતા મંચના નેતા અને રાધનપુરના કોંગ્રેસના ધારસભ્ય અલ્પેશ ઠાકોર અને પાટીદાર અનામત આંદોલનનાં નેતા હાર્દિક પટેલ પણ જીજ્ઞેસ મેવાણી સાથે અલગ અલગ જગ્યાએ સભાઓ અને રેલીઓમાં હાજરી આપશે.

આ અગાઉ પણ કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં તેમણે ચૂંટણી રેલીઓ અને સભાઓ કરી હતી અને ખાસ તેઓ સાઉથ ફિલ્મના નામી કલાકાર પ્રકાશ રાજ સાથે ચૂંટણીની સભાઓ અને કાર્યક્રમોમાં જોવા મળ્યા હતા.

૪ મહિના અગાઉ  જયપુર એરપોર્ટ પર જીજ્ઞેસ મેવાણીને સભામાં જતા રોકવામાં આવ્યા હતા અને સભા હતી એ જીલ્લામાં કલમ ૧૪૪ લગાડી દેવામાં આવી હતી. પરંતુ ચૂંટણીનો માહોલ શરૂ થતાં જીજ્ઞેસ મેવાણી રાજસ્થાનમાં જઈને પ્રચાર કરી રહ્યા છે.