મેરાન્યૂઝ નેટવર્ક.ઝારખંડ: ઝારખંડના રામગઢ જિલ્લાના મુખ્ય પ્રધાન હેમંત સોરેનના ગામ નજીક ગોલા પોલીસ સ્ટેશન હેઠળ ખાપ પંચાયતે એક યુવકને તેની વિધવા ભાભી સાથે લગ્ન કરવાનો આદેશ આપ્યો છે. જેના કારણે અસ્વસ્થ યુવાને પૂર્બડીહ ગામે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મૃતક યુવક લવકુમારના પિતા સુખલાલ મહતોએ બુધવારે પોલીસને લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના પુત્રના ભાભી સાથે અનૈતિક સંબંધો હોવાનો આક્ષેપ કરીને ખાપ પંચાયત ગામમાં બેઠી હતી અને તેને તેની વિધવા ભાભી સાથે લગ્ન કરવાનો અનૈતિક આદેશ આપવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યું ફરિયાદ મુજબ ગયા વર્ષે  મહતોના મોટા પુત્રનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. પંચાયતે તેના નાના પુત્ર લવને તેની મોટી પુત્રવધૂ સાથે લગ્ન કરવા આદેશ આપ્યો હતો, પરંતુ તે આ અનૈતિક સંબંધ માટે તૈયાર ન હતો અને મંગળવારે રાત્રે પૂર્બડીહ ગામમાં તેના ઘરે જ તેણે ફાંસી લગાવી દીધી હતી.

ગોલા પોલીસ મથકના પોલીસ સ્ટેશન અધિકારી બી.એન. ઓઝાએ જણાવ્યું હતું પરિવારજનોની બાતમી પર પોલીસ ટીમ ગામ પહોંચી હતી અને યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. તેમણે કહ્યું કે આ કેસની તપાસ ચાલી રહી છે. આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.