મેરાન્યૂઝ નેટવર્ક.ધનબાદઃ ઝારખંડના ધનબાદમાં ડિસ્ટ્રિક્ટ અને એડિશનલ જજ ઉત્તમ આનંદ (ADJ Uttam Anand) ની મૃત્યુએ હવે એક રહસ્યમય વળાંક લીધો છે. શરૂઆતમાં આ કેસ હિટ એન્ડ રનનો કેસ હોય તે રીતે સામે આવ્યો હતો પરંતુ હવે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા બાદ તે કાવતરા સાથે હત્યાનો કેસ હોવાનું જણાય છે. ધનબાદમાં તૈનાત ઉત્તમ આનંદ બુધવારે સવારે મોર્નિંગ વોક કરી રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલા એક ઓટોએ તેમને ટક્કર મારી હતી. તે પછી તે લોહીલુહાણ થઈ સ્થળે જ પડી ગયા હતા. બાદમાં શહીદ નિર્મલ મહાતો મેડિકલ કોલેજ હોસ્પિટલમાં તેમને લઈ જવાયા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.

પાછળથી બહાર પાડવામાં આવેલા સીસીટીવી ફૂટેજના વિશ્લેષણથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે અકસ્માત હેતુપૂર્વક હતો. આ કેસમાં, હવે એ વાત પ્રકાશમાં આવી છે કે, અથડાતા ઓટોની રાત્રે જ ચોરી થઈ હતી અને ચોરી થયાના ત્રણ જ કલાક બાદ આ ઘટના બની હતી.

Advertisement


 

 

 

 

 

સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ન્યાયાધીશ રસ્તાની બાજુમાં જોગિંગ કરી રહ્યા હતા. પાછળથી આવતો ઓટો સીધો ખાલી રસ્તે જજ તરફ વળ્યો અને તરત જ તેમને ટક્કર મારી. આ ઘટના ચાર સેકંડમાં જ બની હતી. ન્યાયાધીશને ટક્કર માર્યા પછી ઓટો ચાલક ત્યાંથી ભાગ્યો, જ્યારે ન્યાયાધીશ લોહીલુહાણ થઈ ભોંય પર પડેલા હતા. જજ આનંદ મૂળ હઝારીબાગ જિલ્લાના રહેવાસી હતા.

ન્યાયાધીશ ઉત્તમ આનંદ ધનબાદ શહેરમાં ગેંગસ્ટર અમનસિંહ સહિત 15 થી વધુ માફિયાઓનો કેસ સંભાળી રહ્યા હતા અને તાજેતરમાં જ તેમણે અનેક ગેંગસ્ટર્સની જામીન અરજી નામંજૂર કરી હતી. તેમની પત્નીએ અજાણ્યાઓ સામે હત્યાની એફઆઈઆર નોંધાવી છે.