મેરાન્યૂઝ નેટવર્ક.ઝઘડિયાઃ હજુ આટલા વર્ષો પછી પણ કોઈ પાસે લાખો કરોડોમાં જુની નોટો પડી છે તે આશ્ચર્યની વાત છે. કદાચ આ રૂપિયા હજુ બદલાશે તેવી તેમના મનમાં રહેલી ખોટી આશા તેમને વિવિધ તુક્કા સુજવતી હશે. ઝઘડિયાના કડિયાડુંગર ખાતે એક તાત્રિક છે જે જુની નોટોને નવી નોટોમાં રૂપાંતરિત કરી આપતા હોવાના અંધવિશ્વાસમાં લાખોની મત્તા લઈ નોટો નવી કરવા ગયા હતા. જોકે તેમની સામે રસ્તામાં જ પોલીસ પ્રગટ થઈ ગઈ અને મત્તા પકડાઈ ગઈ હતી. પોલીસે બનાવની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

સરકાર દ્વારા રૂ.5૦૦ અને રૂ.1૦૦૦ ના દરની જૂની ચલણી નોટો રદ કર્યાને ત્રણ વર્ષ જેટલો સમય થઈ ગયો છે, પણ હજી કેટલાક લોકો પાસેથી લાખોની જૂની બંધ થયેલી ચલણી નોટો મળી આવે છે. ગત રોજ ઝઘડિયા પોલીસને બાતમી મળી હતી કે એક ટવેરા ગાડીમાં ચાર જેટલા શખ્સો બંધ થયેલી રૂ.5૦૦ અનેરૂ.1૦૦૦ ની ચલણી નોટ સાથે ઝઘડિયાના કડિયાડુંગરથી ગોળાટિયા તરફ જઈ રહ્યા છે. પોલીસે ખાનગી વાહનમાં કડિયાડુંગરથી ગોળાટિયા જવાના રોડ પર વોચ ગોઠવી હતી. 

બાતમી મુજબની ટવેરા ગાડી કડિયાડુંગરથી ગોળાટિયા તરફ આવતા ગાડી પોલીસે રોકી તેમાં તપાસ કરતા તેમાં બેઠેલા શાંતિલાલ જેરામ વસાવા (રહે. સારસા )પાસેથી થેલીમાંથી રૃ.૫૦૦ ના દરની જૂની બંધ થયેલી 5૦૦ નોટ તથા 1૦૦૦ ના દરની 1૦૦ નોટ મળી રૂ.1,5૦,૦૦૦ની જૂની નોટો મળી હતી. આ બાબતે પોલીસે તેમને પૂછતાં ગલ્લા તલ્લાં શરૂ કર્યા હતા. પોલીસે ચારેય શખ્સોની અંગઝડતી દરમિયાન મોબાઈલ કબ્જે લીધા હતા. પોલીસે ૧૫૦ નંગ ચલણી નોટ, ટવેરા ગાડી, ચાર મોબાઈલ મળી કુલ રૂ.5.11 ,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ઝઘડિયા પોલીસે બંધ થયેલ ચલણી નોટો સાથે ઝડપાયેલ (1) શાંતિલાલ જેરામ વસાવા (ઉ.વ 60) ( રહે.સારસા તા. ઝઘડિયા), (2) વિજય સના વસાવા (ઉ.વ 50) ( રહે. જાંબુડા ફળીયા રાજપારડી તા. ઝઘડિયા ), (3) સંજય કાલીદાસ પટેલ (ઉ.વ 45) ( રહે. શિવમ નગર સી-7અંદાડા તા. અંકલેશ્વર ) અને (4) દક્ષેશ ઘનશ્યામ પટેલ (ઉ.વ 36) (રહે. પ્રતાપનગર તા. નાંદોદ) વિરૃદ્ધ ઝઘડિયા પોલીસ મટકમાં ફરિયાદ દાખલ કરી છે. પોલીસ દ્વારા જૂની ચલણી નોટો સાથે ઝડપાયેલ ચારેય ઈસમોની નોટો ક્યાંથી લાવ્યા અને કોને આપવાની હતી તે બાબતે પુછપરછ હાથ ધરી છે.