મેરાન્યૂઝ નેટવર્ક.જેતપુરઃ જામકંડોરણા ગામના મોટા ભાદરા ગામના 25 વર્ષીય યુવા ખેડૂતે આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે. તેમની ખેતી જેતપુર તાલુકાના મેવાસા ગામે હતી. તેઓ બે ભાઈઓમાં સૌથી નાના હતા. ગત વર્ષે નહીવત વરસાદને કારણે તેમને પહેલા જ દેવું હતું ત્યાં આ વખતમાં વધુ વરસાદ અને મહા વાવાઝોડાને કારણે માથે મંડરાતો બોજો જોઈ ખેડૂતે ઝેરી દવા પી ખેતરમાં જ આપઘાત કરી લીધો હતો.

25 વર્ષિય હિરેન ગોવિંદભાઈ રાઠોડના મોટા ભાઈ મજૂરી કામ કરે છે અને તે પોતે ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. બંને ભાઈઓ પરિવારનું પાલન કરતાં હતા. દરમિયાનમાં ગત વર્ષે ઓછા વરસાદને કારણે ખેતીમાં નુકસાન આવતા તેમને દેવું કરવાની ફરજ પડી હતી. આ વખતે સારા પાકની તેમને આશા હતી. દરમિયાનમાં માવઠા અને ગત રોજ મહા વાવાઝોડાને કારણે થયેલી વાતાવરણની અસર હજુ તો શરૂ થવાની હતી.

તેમને આશા હતી કે ગત વર્ષનું દેવું તે આ વખતે સારો પાક કરીને ચુક્તે કરી દેશે પરંતુ તેવું બન્યું નહીં. ઉપરથી આ વર્ષે વધારાનું દેવું આવ્યું. તેણે પોતાના મોટાભાઈ હિમાંશુને પાક અને દેવા અંગે વાત કરી પણ તે અંદરથી ઘણો પીડામાં છે તે અંગે તેણે ભાઈને ગંધ પણ ન આવવા દીધી. બુધવારે તેણે પોતાના પાકની વચ્ચે જઈ છાંટવાની ઝેરી દવા પી લીધી અને જીવન ટુંકાવી દીધું હતું. તેને સારવાર માટે જેતપુર હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ તેણે મામાના ખોળામાં જ કહ્યું મારો પાક બળી ગયો બસ એટલું જ બોલતો હતો ત્યાં સારવાર મળે તે પહેલા જ યુવા ખેડૂતનું મોત થયું હતું.

એક તરફ પાક વીમાના ફોર્મ ભરવાના નામે થતી હેરાનગતી સાથે બીજી તરફ પોતાની મહેનત પર કુદરત દ્વારા વરસાવાતો કહેર, ખેડૂત માટે હાલ નિઃસહાય જેવી સ્થિતિ નિર્માણ થઈ છે ત્યાં અન્ય ખેડૂતોએ હિરેનના પરિવારને સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી માગણી કરી છે.