મેરાન્યૂઝ નેટવર્ક જેતપુર: જેતપુરના સોની બજારમાં ધોળે દિવસે 35 લાખનાં સોનાની લૂંટનો બનાવ બન્યો છે. જેતપુરના નાના ચોક પાસે આ ઘટના બની છે. જેમાં બે અજાણ્યા શખસ્ઓ વેપારીની આંખમાં ચટણી નાંખીને તેની પાસેથી 35 લાખનું સોનુ લૂંટી લીધું હતું. વેપારી પાસેના થેલામાં 700 ગ્રામ સોનુ અને 2 લાખ રૂપિયા રોકડા હતા. ત્યારે જેતપુરમાં આટલી રકમના સોનાની લૂંટથી પોલીસ પણ દોડતી થઈ છે.

ચીમનભાઈ કારાભાઈ વેકરીયા નામના જેતપુરના હોલસેલના વેપારી સવારે 9.57 વાગ્યાની આસપાસ પોતાના થેલામાં સોનુ લઈને જઈ રહ્યા હતા. તેઓ સોની બજારમાં આવેલી શ્રી હરિ ગોલ્ડ જ્વેલરીની દુકાન તરફથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. તેઓ રમાકાંત માર્ગ પરથી મટવા શેરી તરફ પસાર થઈ રહ્યા હતા. ત્યારે બે શખ્સો તેમની પાસે આવ્યા હતા. બંને શખ્સોએ તેમના પર ચટણી  ઉડાવી હતી અને તેમના હાથમાં રહેલ થેલી ઝૂંટવીને જતા રહ્યા હતા.

ચીમનભાઈ વેંકરીયાએ જણાવ્યું કે, મારી થેલીમાં 700 ગ્રામ સોનું હતું. જે અંદાજે 35 લાખ જેટલું હતું. સાથે જ થેલીમાં 2 લાખ રૂપિયાની રોકડ રકમ પણ હતી. અંદાજે 35 લાખનું સોનુ અને 2 લાખ રૂપિયા રોકડ સહિતની લૂંટથી ચકચાર મચી ગઈ છે. તો બીજી તરફ, વેપારી ચીમન વેકરિયાના પગના ભાગે ઇજા પણ પહોંચી છે. તેઓને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. સોની બજારમા આ બનાવથી જેતપુર પોલીસ પણ દોડતી થઈ છે. હાલ પોલીસે નાકાબંધી કરી સીસીટીવીનાં આધારે આરોપીઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.