જયંત દાફડા(મેરાન્યૂઝ.જેતપુર): ગુજરાતમાં દારૂબાંધી હોવા છતાં અનેક જિલ્લાઓમાં રોજ બરોજ દારૂનો જથ્થો પકડાતો હોય છે. બુટલેગરો પણ ચાલાકી વાપરીને પોલીસને ચકમો આપી રાજ્યમાં પ્યાસીઓની તલપ દૂર કરતાં હોય છે. ત્યારે રાજકોટના જેતપુરમાં ASPએ દરોડા પાડી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે.

જેતપુર ગામમાં દારૂના વેચાણથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. બે દિવસ અગાઉ બકરા ઈદના દિવસે રાજકોટ રૂલર આસિસ્ટંટ સુપ્રીડન્ટ ઓફ પોલીસ (ASP) દ્વારા જેતપુરના બાપુની વાડીના વિસ્તારના મકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન બુટલેગરનું ચોર ખાનું જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બુટલેગરના મકાનમાં કપડાં મુકવાના કબાટ પર પોલીસને શંકા જતાં તપાસ કરતાં કબાટની પાછળના ભાગમાં એક રસ્તો મળી આવ્યો હતો. જે ચોર ખાના તરફ જતો હતો. બુટલેગરની આ ટેક્નિકથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

Advertisement


 

 

 

 

 

ASP સાગર બાગમાર સાથે વાતચીત કરતાં જણાવ્યુ હતું કે જેતપુરમાં અનિલ ઉર્ફે ડબલી અને જુનાગઢનો કુખ્યાત બુટલેગર ધીરેન કારીયા દારૂનો મોટો જથ્થો ઉતાર્યો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ASPએ તેમની ટીમના ત્રણ પોલીસકર્મીને સાથે દરોડા પાડ્યા હતા. તે દરમિયાન 550 પેટી વિદેશી દારૂનો જથ્થો પકડી પકડ્યો હતો. સ્થળ પર અનિલ અને ધીરેન ન હતા પરંતુ અનિલનો ભાઈ મનસુખ બારૈયા મળી આવ્યો જેથી તેની ધરપકડ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન પોલીસએ કુલ 22 લાખ જેટલા કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત દેશી દારૂની ભઠ્ઠીના સાધનો પણ મળી આવ્યા હતા.

ASP સાગર બાગમારએ દરોડા પાડ્યા એની ગંધ સ્થાનિક પોલીસને પણ આવી ન હતી. જેતપુર પોલીસ  ઉંઘતી રહી અને ASP દરોડા પાડીને લખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો. ASPના દરોડાની વાત વાયુવેગએ  પ્રસરતા સ્થાનિક પોલીસ બેડામાં ફફડાટ મચી ગયો હતો. દરોડાના બે દિવસ બાદ રાજકોટ રૂલર સુપ્રીડન્ટ ઓફ પોલીસ (SP) બલરામ મીણા દ્વારા જેતપુર પોલીસ સ્ટેશનના હેડ કોન્સટેબલ ભાવેશ ચાવડા અને અશોક ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે સંજય પરમાર અને નારણ પંપાલિયાની ટ્રાન્સફર કરવામાં આવી છે.

Advertisement


 

 

 

 

 

જુનાગઢના કુખ્યાત બુટલેગર ધીરેન કારિયા પર અગાઉ પણ દારૂના હેરફેરીના અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે. ત્યારે લોકમુખે ચર્ચા થઈ રહી છે કે આવા બુટલેગરોને કોણ છાવરી રહ્યું છે? શહેરમાં આટલો મોટો દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની જાણ સ્થાનિક પોલીસને નહીં હોય? જો આ મામલે ન્યાયિક તપસ થાય અને બુટલેગરોના કોલલિસ્ટ ચેક થાય તો અનેક પોલીસકર્મીઓની ઉંઘ હરામ થઈ જાય.  

બુટલેગરે FB પર લખ્યુ: મજબુરીમાં દારુ વેચુ છું

બીજી તરફ ફેસબુક પર શિવરાજ બસીયા નામના બુટલેગરએ પોસ્ટ મૂકી હતી. જેમાં જણાવ્યુ હતું કે પોતે મજબૂરીમાં દારૂ વેચી રહ્યો છે અને પોતાના પર 12 લાખનું દેવું છે. હોસ્પિટલના ખર્ચમાં સાવ પતિ ગયો છું. જે લોકો હપ્તો આપે છે ત્યા રેડ નથી કરતાં અને મારી જેવા નાના માણસો જોડેથી 7, 8 બોટલ પકડીને એક લાખની માંગણી કરો છો. આ પોસ્ટ વાઇરલ થતાં જેતપુર પોલીસ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.