મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ છેલ્લા ત્રણેક મહિનાથી 8 લાખની લાંચ લેવાના કેસમાં ભાગતા ફરી રહ્યા હતા ડીવાયએસપી જે એમ ભરવાડ જે આજે એસીબી સામે હાજર થયા છે. તેમને સુપ્રીમ કોર્ટથી આગોતરા જામીન મળ્યા હતા. જેથી તે અહીં હાજર થઈ પોતાનું નિવેદન નોંધાવવા આવ્યા હતા. એસીબીએ તેમની હાજરી થતાં વધુ કાર્યવાહી હાથ ધરી છે.

હથિયારના ગુનામાં પકડાયેલા આરોપીને માર ન મારવા તેમજ પુછપરછ ન કરવા માટે તેમણે રૂ. 10 લાખની લાંચ માગી હતી. બાદમાં રકઝક પછી રૂપિયા 8 લાખમાં નક્કી થયું હતું. નક્કી રકમ કોન્સ્ટેબલ વિશાલ સોનારાએ મેળવી હતી. જેથી રોકડ સાથે અમદાવાદ એસીબીએ સોનારાની ધરપકડ કરી હતી. અમદાવાદ એસીબી દ્વારા કોન્સ્ટેબલ વિશાલ સોનારાને 8 લાખની લાંચ લેવા બાબતે પકડી પાડવામાં આવ્યો હતો પરંતુ તેના સહ આરોપી તરીકેના ડીવાયએસપી જે એમ ભરવાડ છેલ્લા ત્રણેક મહિનાથી ફરાર હતા. તે એસીબીના હાથે લાગી રહ્યા ન હતા. આ દરમિયાનમાં તેમણે બે દિવસ પહેલા જ સુપ્રીમ કોર્ટથી આગોતરા જામીન મળતાં તેઓ આજે એસીબી સમક્ષ હાજર થયા હતા. અગાઉ સપ્ટેમ્બર મહિનામાં ભરવાડે હાઈકોર્ટમાં કરેલી જામીન અરજી ફગાવી દેવાઈ હતી.