મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ઘણા મહિનાઓથી પગાર ન મળવો અને પછી નોકરી પણ જતી રહે અને ઘરે પરિવારનું ભારણ હોય તે સંજોગો ખાલી વિચારી જુઓ કેટલા કપરા દિવસો હોય છે. જેટ એરવેઝની લેન્ડિંગથી હજારો કર્મચારીઓ અને તેમના પરિવારજનોને આ જ તકલીફથી પસાર થવું પડી રહ્યું છે. માનો કે તમામના સપના જ ક્રેશ થઈ ગયા હોય. અંદાજે બે દાયકાથી જેટ એરવેઝના કર્મચારીઓની જીંદગી સારી ઉડાન ભરી રહી હતી, અચાનક તે એવા સંજોગો તેમને જોવા મળ્યા કે આજે તેઓ પોતાનું દુઃખ વ્યક્ત કરતાં હતા ત્યારે ગળું રુંધાતું હોય અને આંસુ નિકળી ગયા હતા.

આસી. બેસ મેનેજર હરપ્રીત કૌર 22 વર્ષથી જેટ એરવેઝમાં છે. આજે જેટના દરવાજા તેમના ટે બંધ થઈ ગયા. તે હેબતાઈ ગયા છે. જોકે તેઓ એકલા નથી. હાલ તમામ સરખા છે, ભલે તે વર્ષો જુનો અનુભવ ધરાવતા કેપ્ટન હોય કે પછી ફ્રેશર એર હોસ્ટેસ. 22 હજાર કર્મચારીઓની જીંદગી જેટ એરવેઝ બંધ થવાને કારણે પડી ભાંગી છે. કર્મચારીઓ પૈકીના કેટલાકને બીજી એરલાઈન્સ તરફથી અડધા પગારે નોકરી કરવાની ઓફર મળી છે, બાકીઓનું કાલ શું થશે તેની તેમને જ ખબર નથી. આ ઉપરાંત ટ્રાવેલ એજન્ટસ્ અ એરપોર્ટ આઉટલેટ્સ પર પણ તેની અસર થઈ છે.

જેટ એરવેઝને બુધવારથી બંધ કરી દેવાઈ હતી. આ ગત પાંચ વર્ષમાં બંધ થનાર સાતમી એરલાઈન્સ કંપની છે. બેન્કોના દેવામાં ડૂબેલી કંપનીને વધુ મદદ આપવાથી ઈન્કાર કરી દેવાયો હતો. ગુરુવારે કંપનીના ઘણા કર્મચારીઓ જંતર-મંતર પર મોટું વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા, જેને સાઈલેન્ટ અપીલ નામ આપવામાં આવ્યું હતું. એરલાઈન્સમાં નોકરી મળવી એક સમયે ડ્રીમ પુરા થવા બરાબર માનવામાં આવતું હતું. પરંતુ આ ચાર્મ હવે જતો નજરે પડી રહ્યો છે. અહીં વિરોધ પ્રદર્શન કરતાં ઘણા કર્મચારીઓ રીતસર ધ્રુસ્કેને ધ્રુસ્કે રડી પડ્યા હતા. કદાચ તેમણે જેટ માટે કરેલી મહેનત, પરિવારની હાલની સ્થિતિ અને આવનારા દિવસોની કલ્પનાઓએ આંખમાં પાણી ભરી દીધું હશે. નોકરી લાગ્યા ત્યારે જેટલી ખુશી હતી તે દિવસ યાદ આવ્યો હશે.