જયેશ શાહ (મેરાન્યૂઝ.કચ્છ): ગુજરાતમાં પેટા ચૂંટણી જીતવા સત્તા પક્ષ ભાજપ અને કોંગ્રેસ કમર કસી ચુક્યા છે ત્યારે કચ્છમાં અબડાસાની બેઠક માટે કિંગમેકર માનવામાં આવતા જયંતિ ઠક્કર ડુમરાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અબડાસાનાં પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યાનાં મુખ્ય આરોપી એવા જયંતિ ડુમરાને ગળપાદરની જેલમાંથી શનિવારે બહાર કાઢવામાં આવ્યા છે. આગામી ત્રણ તારીખે અબડાસામાં પેટા ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે ડુમરાની એન્ટ્રીથી ઘણા સમીકરણો ફરી જશે તેમ જાણકારો માની રહ્યા છે.

જયંતિ ભાનુશાળી મર્ડર કેસ ઉપરાંત જેલમાં શરાબની પાર્ટી તથા મોબાઈલ રાખવા જેવા જુદા જુદા ગુન્હા હેઠળ જયંતિ ડુમરા લાંબા સમયથી પૂર્વ કચ્છની ગળપાદર જેલમાં કાચા કામનાં કેદી તરીકે કેદ હતા. તેવામાં ચૂંટણી ટાણે જ તેઓ બહાર આવતા અબડાસમાં હવે તે કોની સાથે જોવા મળે છે તેની ઉપર સૌની નજર મંડાયેલી રહેશે.


 

 

 

 

કચ્છમાં અબડાસા બેઠક ઉપર કયા પક્ષ કે ઉમેદવારને વિજયી બનાવવો તે જયંતિ ડુમરા સારી રીતે જાણે છે. પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હોય કે છબીલ પટેલ કે પછી નીમાબેન આચાર્ય હોય, જયંતિનો દામન જે પકડે તેનું વિજયી બનવું લગભગ નક્કી હોય છે. કચ્છનાં બહુ ચર્ચિત નલિયાકાંડથી માંડીને કેડીસીસી બેંકનું પ્રકરણ હોય કે કોટન કિંગ ભદ્રેશની વાત હોય, કયાંક ને કયાંક જયંતિ ઠક્કર ડુમરાની ભૂમિકા અંગે ચર્ચા જરૂર થતી હોય છે. જોકે તેમના બહાર આવવાથી કચ્છમાં, ખાસ કરીને ભાનુશાળી સમાજમાં નારાજગી જોવા મળશે.

જેને કારણે ભાજપનાં કમિટેડ વોટ ઉપર પણ અસર પડી શકે છે. જે હોય તે પરંતુ હવે એક વાત નક્કી છે કે, જયંતિ ઠક્કર ડુમરાની એક મહિનાની આઝાદી કોને ફળે છે તેની ઉપર સૌની નજર રહેશે. કારણ કે એક પછી એક કેસમાં પોતાની સંડોવણી બહાર આવવાને કારણે તેઓ ભાજપથી પણ નારાજ થયેલા છે તેમ સૂત્રોએ દાવો કર્યો હતો. બીજી બાજુ ભાજપે તેમની ઉપર ભરોસો મુક્યો હોવાને કારણે વધુ એક વખત પક્ષ પ્રત્યે વફાદારી બતાવવાનો મોકો ડુમરાને મળ્યો હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે.