મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યા પ્રકરણમાં હજી સુધી પોલીસને ખાસ સફળતા મળી નથી, પણ જે તથ્યો બહાર આવી રહ્યા છે તે પ્રમાણે ભાજપના નેતા છબીલ પટેલ સામે દિલ્હીમાં નોંધાયેલી દુુષકર્મની ફરિયાદમાં છબીલ પટેલે આગોતરા જામીન મેળવી લીધા હતા, પરંતુ ત્યાર બાદ છબીલ પટેલને જાણકારી મળી હતી કે, જયંતિ ભાનુશાળીએ આ પ્રકારની બીજી દુષકર્મની ફરિયાદ નોંધાય તે માટે અનેક સ્ત્રીઓને તૈયાર કરી હતી. આમ હવે એક પછી દુષકર્મની ફરિયાદ પોતાની સામે નોંધાતી જશે તેવા ડરમાં તેમણે જયંતિ ભાનુશાળીનું કામ તમામ કરવાનો નિર્ણય લીધો હતો.

જયંતિ ભાનુશાળી સામે સુરતની યુવતીએ દુષકર્મની ફરિયાદ નોંધાવી તેની પાછળ છબીલ પટેલનો હાથ હોવાનું જયંતિ ભાનુશાળી માની રહ્યા હતા. જો કે ત્યાર બાદ સમાજના આગેવાનોએ મધ્યસ્થી કરતા છબીલ પટેલ અને જયંતિ વચ્ચે સમાધાન થયું હતું, પણ તેના થોડા દિવસ બાદ છબીલ પટેલ સામે દિલ્હીમાં દુષકર્મની ફરિયાદ નોંધાઈ હતી. છબીલ પટેલનો દાવો હતો કે ફરિયાદમાં જે તારીખનો ઉલ્લેખ છે તે દિવસે તેમની દીકરીનો જન્મ દિવસ હોવાને કારણે તેઓ ગુજરાતમાં હતા અને દિલ્હી ગયા જ નથી. દિલ્હી કોર્ટ દ્વારા આ પુરાવાને ધ્યાનમાં લઈ તેમને જામીન આપ્યા હતા.

જો કે જામીન મળ્યા બાદ છબીલ પટેલને જાણકારી મળી કે ફરિદાબાદની એક મહિલાને જયંતિએ પૈસા આપી તૈયાર કરી છે અને તે પણ તેમની સામે દુષકર્મની ફરિયાદ આપશે આ પ્રમાણે ભુજની એક મહિલાને પણ જયંતિએ દુષકર્મની ફરિયાદ આપવા તૈયાર કરી છે. છબીલ અને ભુજની આ મહિલા વચ્ચે બેઠક પણ થઈ હતી. જેમાં મહિલાએ જયંતિએ તૈયાર કરી આપેલી ફરિયાદની નકલ પણ બતાડી હતી. જો આ ફરિયાદ નોંધાય તો જયંતિ તેને સારી રકમ પણ આપશે તેવું પણ જયંતિએ મહિલાને કહ્યું હતું તેવો મહિલા દાવો કરી રહી હતી. આમ છબીલ માનવા લાગ્યા હતા જે જયંતિ તેમનું જીવવુ હરામ કરી નાખશે. આમ દિલ્હીમાં છબીલ પટેલ સામે નોંધાયેલી ફરિયાદ બાદ છબીલ પટેલે જયંતિને કાયમી શાંત કરી દેવાનો નિર્ણય કર્યો હતો. 

બીજી તરફ પોલીસ દ્વારા આ મામલે ફરાર છબીલ પટેલને શોધવા માટે કોર્ટમાં વોરંટની માગણી કરી છે. આ વોરંટ બાદ જો છબીલ પટેલ મળી ના આવે તો તેમને ભાગેડૂં જાહેર કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ સુત્રોનું કહેવુ છે.