મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દિલ્હીની એક અદાલતે વીસ વર્ષ જુના રક્ષા ડીલ ભ્રષ્ટાચારના કેસમાં દોષિત પામેલા સમતા પાર્ટીની પૂર્વ અધ્યક્ષ જયા જેટલી અને તેના બે અન્ય સહયોગીઓને ચાર વર્ષની કેદની સજા સંભળાવી છે. તેના બે સહયોગીઓમાં પૂર્વ પાર્ટી સહયોગી ગોપાલ પચેરવાલ અને મેજર જનરલ (સેવા નિવૃત્ત) એસ પી મુરગઈ શામેલ છે. આ બંને લોકોને પણ ચાર ચાર વર્ષની સજા સંભળાવવામાં આવી છે.

કોર્ટે કાર્યવાહી બંધ રૂમમાં કરી હતી. ત્રણ દોષિતો પર એક એક લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે અને તેમને આજ સાંજના પાંચ વાગ્યા સુધીમાં આત્મસમર્પણ કરવાનું કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે જયા જેટલી અને તેના બે સાથિઓ માટે સીબીઆઈએ સાત વર્ષની કેદની માગ કરી હતી. બુધવારે રાઉઝ એવેન્યૂ કોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે દોષિતોને સજાને લઈને અભિયોજન અને બચાવ પક્ષની દલીલો સાંભળી હતી.

સ્પે. સીબીઆઈ જજ વિરેદર ભટના સમક્ષ સીબીઆઈની તરફથી હાજર વકીલએ કોર્ટને કહ્યું હતું કે દોષિતોને વધુમાં વધુ સજા આપવી જોઈએ, કારણ કે તેમના દ્વારા કરવામાં આવેલો ગુનો ખુબ જ ગંભીર છે. સીબીઆઈએ કહ્યું હતું કે તહલકા ન્યૂઝ પોર્ટલના સ્ટિંગ ઓપરેશન પછી આ મામલામાં આરોપીઓની ભૂમિકા ખુલ્લી રીતે સામે આવી હતી.

સીબીઆઈએ માગ કરી કે જયા જેટલી અને તેની જ પાર્ટીના પૂર્વ સાથી ગોપાલ પચેરવાલ તથા મેજર જનરલ (સેવાનિવૃત્ત) એસ પી મુરગઈની સજાને લઈને દયા ન દાખવવામાં આવે.

આવી રીતે થયો હતો મામલાનો ખુલાસો

આ કેસમાં ન્યૂઝ પોર્ટલ તહેલકાએ જાન્યુઆરી 2001માં ઓપરેશન વેસ્ટએંડ નામનું સ્ટિંગ કર્યું હતું. તેમાં કાલ્પનીક કંપની બનાવીને સેના માટે હાથથી સંચાલિત થર્મલ ઈમેજર્સની આપૂર્તિના ઓર્ડર માટે દોષિતોઓ લાંચ લીધી હોવાનું બતાવાયું હતું.

જયા જેટલીએ તત્કાલીન રક્ષામંત્રી જ્યોર્જ ફર્નાન્ડીસના ઓફીશ્યલ આવાસ પર કાલ્પનીક કંપની બનાવીને આવેલા મેથ્યૂ સેમ્યૂઅલ પાસેથી 2 લાખ રૂપિયાની લાંચ લીધી હતી, જોકે મુરગઈએ 20 હજાર રૂપિયા લઈ લીધા હતા. એક અન્ય આરોપી સુરેંદર કુમાર સુરેખા બાદમાં આ કેસમાં સાક્ષી બની ગઈ હતી.

આ મામલાનો ખુલાસો થયા પછી રક્ષા મંત્રી ફર્નાન્ડીસને તત્કાલીન અટલ બિહારી બાજપેયી સરકારને રાજીનામું આપવું પડ્યું હતું. આ મામલામાં ભાજપના તત્કાલીન અધ્યક્ષ બંગારુ લક્ષમણનું પણ નામ સામે આવ્યું હતું પરંતુ બાદમાં તેમને ક્લીન ચીટ આપી દેવાઈ હતી.