જય અમીન (મેરાન્યૂઝ.અરવલ્લી): ગુજરાતે આજે એક સપૂત ખોયો છે, ગુજરાતે આજે એક વિર જવાન ખોયો છે. દેશની રક્ષા કાજે આજે ખેડાના કપડવંજના વણઝારીયા ગામના જવાને શહીદી વહોરી તિરંગાનું કફન ઓઢી લીધૂ છે. ૨૫ વર્ષીય હરીશ પરમાર પૂંછમાં આતંકવાદીઓ સાથે અથડાણમાં શહીદ થતાં દેશ સહિત ગુજરાતભરમાં શોકની લાગણી છવાઈ હતી. દેશ માટે સદાય તત્પર રહેનાર અને પોતાની જાન ન્યોછાવર કરનાર આર્મી જવાનના પાર્થિવદેહને આજે તેના વતનમાં લવાયો હતો.

કપડવંજથી નીકળેલી અંતિમયાત્રામાં હજ્જારોની સંખ્યામાં લોકો જોડાયા હતા સમગ્ર માર્ગ પર ભારત માતા કી જય અને હરીશ સિંહ અમર રહો ના નારા થી ગુંજી ઉઠ્યો હતો. પરિવારજનો શહીદ જવાનના મૃતદેહને જોતા રોકકળ કરતા વાતાવરણ દ્રવી ઉઠ્યું હતું. ગાર્ડ ઓફ ઓનર સાથે શહીદ જવાનને અંતિમ વિદાય આપી હતી. જેમાં નાત-જાતને ધ્યાને રાખ્યા વિના જ તમામ ધર્મના લોકોએ ભારત માના પનોતા લાલને સલામી આપી હતી. આંખોમાં આંસુઓ સાથે લોકોએ ભારત માતાની જયજયકાર બોલાવી હતી.


 

 

 

 

 

શહાદત વહોરનાર આર્મી જવાન હરીશસિંહ પરમારનો મૃતદેહ મંગળવારે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પરથી સીધો તેઓના વતન કપડવંજના વણઝારીયા ગામે લવાતાં વાતાવરણ રોકકડથી દ્રવી ઊઠ્યું હતું. વીર શહીદની યાત્રા કપડવંજના નદી દરવાજા પુલ પરથી વણઝારીયા ગામે આવી પહોંચી હતી. આ સમયે હજારો લોકો આ વિર શહીદની યાત્રામાં જોડાયા હતા. ઘણાં લોકો વાહનો મારફતે તો ઘણાં લોકો ચાલતાં હાથમાં ધ્વજ લઈ આ શહીદની યાત્રામાં જોડાયા છે. સમગ્ર વિસ્તારમાં ગમગીની સાથે દેશભક્તિના રંગે રંગાયું હતું. યુવાનીના ઊંબરે ઊભેલા આર્મી જવાને દેશ માટે શહાદત વહોરી લેતા વીર શહીદ જવાન હરીસિંહ પરમારનો મૃતદેહ વતનમાં લવાતાં આખા ગામ સાથે પંથક હીબકે ચડ્યું હતું માતા-પિતાએ મોટો દીકરો, નાના ભાઈએ મોટા ભાઈનો સથવારો ગુમાવ્યો હતો.

વીર જવાન હરિશસિંહએ હમણાં જ પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવ્યો હતો

કપડવંજના વણઝારીયા ગામના 25 વર્ષિય હરિશસિંહ રાધેસિંહ પરમારે જમ્મુ કાશ્મીર ખાતે શહાદત વહોરી લીધી છે. આર્મી જવાનના પિતા રાધેસિંહ અમરાભાઈ પરમારને સંતાનમાં બે દિકરા છે. જેમાં સૌથી મોટો દિકરો હરિશસિંહ આર્મીમાં જ્યારે નાનો દિકરો સુનીલ અભ્યાસ કરી રહ્યો છે. જવાન છેલ્લે મે મહિનામાં પોતાના વતન વણઝારીયા ગામે આવ્યા હતા. જ્યાં એક મહિનાની રજાના સમયગાળામાં પોતાના પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવી પરત જમ્મુમાં હાજર થયા હતા.


 

 

 

 

 

એક વર્ષ અગાઉ શહીદ હરીશસિંહ પરમારની સગાઇ થઈ હતી, મંગેતર પર આભ તૂટી પડ્યું

હરિશસિંહ પરમારના નજીકના સ્વજનોએ જણાવ્યું છે કે આર્મી જવાનની ૧ વર્ષ અગાઉ સગાઈ થઈ ચૂકી હતી. આવતાં વર્ષે ફેબ્રુઆરીમાં સુધીમાં લગ્ન પણ થવાના હતા અને એ દરમિયાન જ શહીદી વહોરી લીધી છે. અહીં સુધી કે જ્યારે પરિવાર સામે શહીદનો ચહેરો આવ્યો ત્યારે રીતસરની પોક મુકાઈ ગઈ હતી. મન જાણે હજુ તેમના દુર ગયાનું સ્વિકારી શકતું ન્હોતું તેવું જોઈ શકાતું હતું. ઉપરાંત જ્યારે શહીદની અંતિમ યાત્રા જઈ રહી હતી, તેમનો દેહ પંચમહાભૂતમાં ભળી રહ્યો હતો તે દરમિયાન ઘણા લોકોને અહીં સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. આ બાબતે ઘણાઓને દુઃખ પહોંચાડ્યું હતું.