મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ

જવાહરભાઈ

 તમને મંત્રી થવાની શુભેચ્છા આપી શકતો નથી, આમ તો કોઈને પણ મંત્રી થવુ ગમે અને મંત્રી થનારને શુભેચ્છા આપવી તે  સૌજન્ય છે,છતાં તેવુ સૌજન્ય પણ તમને દાખવુ મને યોગ્ય લાગતુ નથી, હું ગુજરાત વિધાનસભાનું રીપોર્ટીંગ કરવા પહેલી વખત 1990માં આવ્યો હતો. ત્યારે પત્રકાર દિર્ધામાંથી મેં  તમને જોયા હતા, તમે પહેલી વખત વિધાનસભા થયા હતા,, ત્યારે તમે એકદમ યુવાન અને જુસ્સેદાર હતા, ત્યારે જનતા દળ ગુજરાત અને ભાજપની મીશ્ર સરકાર હતી, જો કે  ચીમનભાઈ પટેલ અને ભાજપ બહુ જલદી છુટા પડી ગયા અને તમે ચીમનભાઈ પટેલની સરકારનો હિસ્સો બની ગયો, 1990માં તમે ચીમનભાઈ પટેલના ખાસ અને કદાવર નેતા જયરામ પટેલને માણાવદરથી હરાવી કોંગ્રેસના સભ્ય તરીકે વિધાનસભામાં આવ્યા હતા. તમારૂ વ્યકિતત્વ અને વ્યવહાર કોઈ પણ સામાન્ય માણસને પણ પોતાને લાગે તેવો હતો.

રાજકારણના પાઠ તો તમે તમારા પિતા પેથલજી ચાવડા પાસેથી શીખ્યા હતા. પણ જુના માણસો કહે છે કે પેથલજી ચાવડા અને જવાહર ચાવડામાં જમીન - આસમાનનો ફર્ક છે., તમારા પિતા પેથલજી ચાવડા વર્ષો સુધી ગુજરાતના રાજકારણનો હિસ્સો રહ્યો, પણ તમે રાજકારણમાં પ્રવેશ કરી સાબીત કર્યુ કે પ્રમાણિકતા અને સ્વચ્છતા સાથે પણ રાજકારણમાં રહી શકાય છે. મને  હું મારી જાતને છેલ્લાં કેટલાંક કલાકોથી પુછી રહ્યો છુ કે મેં  ત્રીસ વર્ષ પહેલા જે જવાહર ચાવડાને જોયા હતા અને મળ્યો હતો તે જ આ માણસ છે. મન અસ્વસ્થ થઈ જાય છે અને કોઈ જવાબ આપતુ નથી, હું વ્યવસાઈક પત્રકાર છુ, મારે કોઈ રાજકિય પક્ષ સાથે નીસ્બત હોવી જોઈએ નહીં, આમ છતાં એક માણસ અને ેનાગરિક હોવાને કારણે કયારેક વ્યકિતગત મત પણ વ્યવસાય ઉપર હાવી થઈ જાય છે.

મારે ભાજપ અને કોંગ્રેસ સાથે કોઈ વાંધો અને કોઈ મીત્રતા નથી, છતાં હું અમદાવાદમાં રહેતો હોવાને કારણે મેં 1990 સુધી અમદાવાદમાં જે કઈ અનુભવ્યુ અને સહન કર્યુ તેના કારણે મનમાં એવુ લાગતુ હતું, કોંગ્રેસ હારે અને ભાજપને સત્તા મળે તો સારૂ, વ્યવસાયને કારણે મારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈ ભાજપના પ્રદેશ કાર્યાલય મંત્રી પરેશ પટેલ સાથે પણ વ્યકિતગત પરિચય છે. તેના કરતા પણ આગળ કહુ તો ભાજપના સેવકો મને અને હું તેમને એકબીજાના નામથી ઓળખીએ છીએ, મારા જેવી મનોકામના ગુજરાતના લાખો લોકો કરતા હતા જેના કારણે 1990માં અમે મતાધિકારનો ઉપયોગ કર્યો અને કોંગ્રેસે સત્તા ગુમાવી, ભાજપની સત્તા આવી સારૂ લાગ્યુ પછી તો ગુજરાતમાં જે કઈ રાજ રમતો થતી ગઈ, સરકારો બની અને સરકારો ઉથલી તેની વાત અહિયા કરીશ નહીં કારણ કે તેનાથી હું તમે અને આખુ ગુજરાત વાકેફ છે.

કોની સરકાર બનશે તેનો અધિકાર પ્રજાને આપણા બંધારણને આપલો છે. જેનો પ્રજા પ્રત્યેક પાંચ વર્ષે ઉપયોગ કરે છે. ચુંટણીનો હિસ્સો બનતો ઉમેદવાર સરકારમાં બેસશે કે વિરોધ પક્ષમાં તે પણ પ્રજા જ નક્કી કરે છે. અને તમારી માણાવગરની પ્રજાએ નક્કી કર્યુ કે રાજયમાં ભલે ભાજપની સરકાર બનતી હોય પણ અમારા જવાહર ચાવડા વિરોધ પક્ષમાં બેસશે તો પણ અમે તેમને મત આપીશુ, કારણ જવાહર ચાવડા જેવા છે તેવા અમારા છે, માણાવદરની પ્રજાએ તમને વિરોધ પક્ષમાં જવા માટે મોકલ્યા હતા, તમે વિરોધ પક્ષમમાં રહી વર્ષો સુધી તમારી પ્રજાના સારા પ્રતિનિધિ સાબીત થયા તેમાં કોઈ શંકા નથી. પણ માણાવદરની પ્રજાએ સત્તા સાથે રહેવાને બદલે એક નેક માણસ સાથે રહેવાનું પસંદ કર્યુ હતુ,

પણ તમે શુ કર્યુ,? તમારી પ્રજાએ ખુમારી બતાડી હતી કે સત્તા ના મળે તો પણ વાંધો નહીં અમારે તો લડાયક જવાહર જોઈએ છીએ, પણ તમે જે પ્રજાએ નહીં, માણાવદરની અનેક પેઢીઓ મત આપ્યા તેના વિરૂધ્ધમાં જઈ સત્તામાં બેસવાનું પસંદ કર્યુ, અમારા જેવા માણસ માટે ભાજપની સત્તા હોય કે કોંગ્રેસની ખાસ ફર્ક આવ્યો નથી. છતાં આખરે માણસ છીએ તેના કારણે આ સારો અને પેલો ખોટો તેવુ માની લઈએ છીએ અને અંદર અંદર લડતા રહીએ છીએ, તમારા માણાવદરની જ વાત કરો છે, તમારા સૌરાષ્ટ્રમાં તો ચુંટણી દરમિયાન થયેલી દુશ્મનીઓ પેઢીઓ સુધી ચાલે છે. તમારી ચુંટણીમાં તમારી સામે લડતા ભાજપના નાના મોટા નેતાઓ અનેક સાથે દુશ્મની કરી લીધી હશે આજે તમારા માણાવદરના ભાજપના-કોગ્રેસના નાના નેતાઓને તો એકબીજા સાથે બોલવાનો પણ સંબંધ નહીં હોય, પણ તમે તમારા માટે દુશ્મની વ્હોરી લેનારને પણ ભુલી ગયા અને સત્તાનો હિસ્સો બની ગયા.

માણસને સમાધાન કરવા પડે છે, કયારેક તે જરૂરીયાત હોય છે કયારેક તે મજબુરી હોય છે. દરેક લડવૈયો છેલ્લી ઘડી સુધી પહેલા જેવો દેખાવ કરી શકતો નથી, મને ચોક્કસ ખબર છે તમે પૈસા માટે મંત્રી થવાનું પસંદ કર્યુ નથી, કારણ તમારા જન્મ પહેલાથી તમારા ઘરે કારોની વણઝાર લાગતી હતી, ગુજરાત વિધાનસભાના સભ્યોની ચુંટણી વખતની એફીડેવીટ જોઈએ તો દસ શ્રીમંત નેતાઓમાં તમારો સમાવેશ થતો હશે, તમે ગર્ભ શ્રીમંત છો, તમે પૈસા કમાવવા માટે રાજકારણમાં આવ્યા નથી અને મંત્રી તમારે પૈસા કમાવવા નથી તેની પણ મને ખબર છે., તમે કોંગ્રેસમાંથ રાજીનામુ આપવા ગાંધીનગર આવ્યા ત્યારે પણ મર્સીડીઝમાં આવ્યા હતા, આમ હવે મંત્રી થયા પછી તમારી સમૃધ્ધી વધવાની નથી. આમ તમારે રોટલાનો તો સવાલ ન્હોતો, તમે મંત્રી થાવ તો તમારૂ ઘર ચાલવાનું હતું તેવુ ન્હોતુ જો તેવુ હોત તો તમે મંત્રી થયા તેની સામે વાંધો પણ ન્હોતો,

તમારા પિતૃઓ અને પરિવાર તમારી પાસે એટલુ બધુ મુકી ગયા છે તમારે કઈ ખોટુ કરવાનો પણ વખત આવ્યો નથી. મારી જાણકારી પ્રમાણે તમારી સામે કોઈ કેસ પડતર હોય અને તમારે જેલમાં જવુ પડે તેવા ડરથી તમે ભાજપમાં જોડાય તેવુ પણ નથી, આવુ તમારા અનેક સાથીઓ સાથે થયુ છે તેની મને ખબર છે. પણ પાણીમાં રહેવુ અને મગરનો ડર લાગે તેના જેવી વાત છે ખેર તમારો કિસ્સો બીજા કરતા જુદો જોવાને કારણે આશ્ચર્યની સાથે પીડા પણ થઈ રહી છે. પીડા તમે ભાજપમાં ગયા તેની નથી, પણ જે પ્રકારે સત્તા માટે જે કઈ થઈ રહ્યુ છે પીડા તેની છે. નિયમ પ્રમાણે બધુ બરાબર થઈ રહ્યુ છે. પણ નિયમની પેલે પાર એક અંદરનો અવાજ પણ હોય છે. જે આપણી સાથે સતત બોલતો હોય અને ખોટુ થાય ત્યારે રોકતો પણ હોય છે. તમારી સાથે પણ તેવુ થયુ હશે, હું કોંગ્રેસની સત્તા હતી ત્યારે કોંગ્રેસનો આકરો ટીકાકાર રહ્યુ છે. મારૂ કામ તો પ્રજા વતી સરકારની ટીકા કરી તેને સમી સુથરી રાખવાનું છે. ભાજપના કોઈ નેતા સત્તા માટે ભાજપ છોડી કોંગ્રેસમાં જતા ત્યારે પણ આજે થઈ તેવી જ તકલીફ થતી , કારણ વાત અહિયા ભાજપ-કોંગ્રેસની જરા પણ નથી. પણ જે વાજબી નથી તેની છે .

કોંગ્રેસ સારી છે અને ભાજપ ખોટો છે તેવો અંતિમવાદી નિર્ણય લેનાર પણ હું નથી. પણ તમને ઠીક લાગ્યુ એટલે તમે કોંગ્રેસમાં રહ્યા અને ભાજપની નિતી રીતિની ટીકા કરતા રહ્યા , તમે નરેન્દ્ર મોદી માટે જે નિવેદનો કર્યા હતા તેની વાત હું અહિયા કરતો નથી કારણ નંદોવાળો તમારો  વિડીયો ખુબ વાયરલ થયો છે અને લોકો તે જોઈ રહ્યા છે, તમને નરેન્દ્ર મોદી અને ભાજપ પસંદ ન્હોતા તે તમારો નિર્ણય હતો, તમારા નિર્ણયની કદર કરીએ છીએ, આજે તમે ભાજપમાં છો તે પણ તમારો નિર્ણય તેની પણ કદર કરીએ છીએ ,પણ સવાલ અહિયા તે ઉભો થાય છે જે નરેન્દ્ર મોદી અને જે ભાજપ તમને આંખમાં કણાની જેમ ખુંચતા હતા તે એક જ દિવસમાં સારા કેવી રીતે થઈ ગયા ? કયારેક એવુ થાય કે આપણે રાજકારણમાં આવી અને વર્ષો સુધી સત્તાની બહાર રહીએ, કઈ વાંધો નહીં, જયાં સુધી આપણો સમય ના આવે ત્યાં સુધી બહાર બેસી રહેવુ પડે, પણ મને લાગે છે તમારી બહાર બેસવાની તૈયારી ન્હોતી, પ્રશ્ન પૈસા-લાલચ અને ભયનો ન્હોતો. તમે લડવાની તૈયારી ગુમાવી ચુકયા હતા.

પણ પ્રજા તમને લડતો જોવા માગતી હતી તે હારેલા થાકેલા જવાહરને પસંદ કરતી નથી, તમે સત્તા મેળવી પણ સત્તા ગુુમાવી ચુકયા છો તેવુ મને લાગી રહ્યુ છે. આમ તો પ્રજા સર્વોપરી તેવુ આપણે કહીએ છીએ, પણ ખરેખર તેવુ હોતુ નથી. જે પ્રજાએ તમને મત આપ્યો હતો તેમને તમે કયાં પુછવા ગયા હતા, પણ જયારે આપણને કોઈ પુછનાર અને કહેનાર હોતુ નથી ત્યારે આપણી જવાબદારી વિશેષ વધી જાય છે. જવાહર તમે તમારી જવાબદારી ચુંકયા છો., સરકારી સાયરન વગાડતી કાર, પાયલોટ અને એસ્કોર્ટ વચ્ચે તમે બહુ મોટા થઈ ગયા તેવુ બીજાને લાગશે, પણ મને પોતાને ખબર છે, તમે બહુ નાના થઈ ગયા છો. કોગ્રેસને પોતાની સમસ્યા છે. તેમાં તમને પીડા પણ થતી હતી, તમે જેમની સાથે વર્ષો સુધી હર્યા-ફર્યા અને સાથે જમ્યા તેવા સાથી દોસ્તોને એક ક્ષણમાં છોડી દીધા, કંકાસ તો બધે થાય છે, પણ કોઈ આ રીતે સાથ છોડતા નથી, તમે દોસ્તો અને વિચારોનો સાથે છોડયો નથી, તમે તમારી જાતનો છોડી દીધી છે. તમે હારી ગયા થાકી ગયા નિરાશા થઈ અને તમારી માનસીક લાચારીએ તમને મંત્રી થવાના સોંગદ લેવડાવ્યા છે. તમારી અઢણક સંપત્તી વચ્ચે પણ તમે મંત્રી થઈ પછાત થવાનું પસંદ કર્યુ છે.

તમને મારો વ્યકિતગત પરિચય નથી, વાંચીને માઠુ લાગે-ગુસ્સો આવે તો ભલે આવે, એક વખત સરકારી બંગલાના અરીસા સામે ઉભા રહી, મેં તમને જે કઈ કહ્યુ તે અંગે પોતાની જાતને પુછજો, જો જવાબ મળે તો માનજો તમારો મ્હાયલો હજી જીવે છે.

વંદેમાતરમ કારણ હવે તમે દેશપ્રેમની ઠેકેદારી કરતા પક્ષના મંત્રી થયા છો

પ્રશાંત દયાળ