મેરાન્યૂઝ નેટવર્ક.જસદણઃ જસદણમાં ભાજપનો ગઢ ગણવામાં આવતા ચિતલિયા કુવા રોડ નામના વિસ્તારમાં રાકેશભાઈ પટેલ, લલિતભાઈ, ચિરાગ પટેલ અને દિવ્યેશ પટેલ સહિતના પાટીદારો સાથે મેરાન્યૂઝ દ્વારા વાતચીત કરી હતી. વેપારી, ખેડૂત અને વિધાર્થી સહિતના આ યુવનોની વાત સાંભળીને જાણે આશ્ચર્ય થયું હતું. કારણ કે, આ તમામે જણાવ્યું હતું કે, આ વિસ્તાર ભાજપનો ગઢ હતો અને અહીં ક્યારેય કોંગ્રેસની કોઈ સભા પણ થઈ નથી, પણ આગામી ચૂંટણી માટે અહીં કોંગ્રેસનું કાર્યાલય બન્યું છે અને સમયાંતરે કોંગ્રેસની સભાઓ પણ થાય છે. તેમજ આ ચૂંટણીમાં કોંગ્રેસની જીત થવાનો વિશ્વાસ પણ આ બધાએ વ્યકત કર્યો હતો. 

આ માટેનું કારણ પુછતાં તેમણે કહ્યું હતું કે, અમારો વિરોધ મુખ્યમંત્રી સાથે છે. કારણ કે, તેમણે કહ્યું હતું કે, મારે પાટીદારોના મતની કોઈ જરૂર નથી. તેમજ હાલમાં જ બાવળીયાનો ઓડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ પણ પાટીદારોના મત લઈ જાવ તેવું બોલ્યા હતા. ત્યારે જસદણ પંથકમાં એકાદ બે કિસ્સા (એક વખત અપક્ષ અને 2.5 વર્ષ ભાજપ) સિવાય છેલ્લા 60 વર્ષથી માત્ર કોંગ્રેસનું જ શાસન છે અને આવનારી ચૂંટણીમાં પણ કોંગ્રેસને જ જીત અપાવવાનો આ વિસ્તારના લોકોએ સંકલ્પ કર્યો છે. તેમજ પાંચ રાજ્યોમાં થયેલા ભાજપના મરણનું જસદણમાં ઉઠમણું હોવાનો સોશ્યલ મીડિયામાં ચાલતો કટાક્ષ પણ કર્યો હતો.

શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં અન્ય કેટલાક પીઢ અને અનુભવી લોકો સાથે વાત કરતા તેમણે નામ ન આપવાની શરતે કહ્યું હતું કે, બદુલી ગામમાં ભાજપનો પ્રચાર કરવા ગયેલા શખ્સની રિક્ષા લોકોએ લઈ લીધી હતી. તેમજ લાખાવડ ગામે પણ આજ સુધી કોંગ્રેસ માટેનો એન્ટ્રી હતી, પણ આ વખતે આ ગામમાં કોંગ્રેસની સભા થઈ હોવાનું અને તેમાં પણ 3-4 હજારની વસ્તી ધરાવતા ગામમાંથી બે હજાર લોકો હાજર રહ્યા હોવાનું જણાવ્યું હતું. તેમજ મુખ્યમંત્રી અને કુંવરજી સામે લોકોમાં ભારોભાર રોષ હોવાનું પણ કહ્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસ શાસિત અન્ય રાજ્યોમાં થતી દેવામાફીની જાહેરાત છતાં ગુજરાતની ભાજપ સરકારે આ મુદ્દે કોઈ પગલાં લીધા ન હોઇ મોટાભાગના ખેડૂતોમાં ભાજપની છબી ખરડાઈ હોવાનું પણ તેઓએ કહ્યું હતું.