મેરાન્યૂઝ નેટવર્ક.જસદણઃ ભાજપના ભરત બોધરાને ટિકિટ ન મળતા તેઓ અંદરખાને નારાજ છે. તેમજ બોધરાએ પોતાના સમર્થકોને કુંવરજીને હરાવવા અપીલ પણ કરી હતી. જો કે બાદમાં હાઇ કમાન્ડનો આદેશ થતા તેઓ કુંવરજી માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. પણ પોતાના સમર્થકોને હવે ક્યાં મોઢે કહેવું કે, અચાનક જ બાવળીયાની જીત મારા માટે જરૂરી બની ગઈ છે. તેની વિમાસણમાં બોધરા મુકાયા છે. બીજી તરફ 35 સ્ટાર પ્રચારકોને લાવવાની વાતો કર્યા બાદ આજદિન સુધી કોઈપણ દિગ્ગજ હજી સુધી આવ્યા નથી. અવારનવાર રાજકોટની મુલાકાત લેતા મુખ્યમંત્રી રૂપાણીએ પણ ચૂંટણી જાહેર થયા બાદ જસદણની મુલાકાત લીધી નથી. જો કે કુંવરજી અને બોધરા કોઈની જરૂર ન હોવાનો દાવો કરી રહ્યા છે, પણ આ બાબત તમાચો મારીને ગાલ લાલ રાખવા જેવી જણાઈ રહી છે.

કોંગ્રેસના ભોળાભાઈમાં પણ ટિકિટ ન મળવાથી નારાજગી છે, પરંતુ છત્તીસગઢ સહિતના પાંચ રાજ્યોમાં ભાજપને મળેલા પ્રતિસાદથી તેઓ ભાજપ સાથે જોડાવું કે નહીં તેની અવઢવમાં છે. જો કે તેઓ છેલ્લા દિવસોમાં ધડાકો કરે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી, પરંતુ હાલ કોંગ્રેસની પરિસ્થિતિ જોતા તેમનો આ ધડાકો સુરસુરીયું સાબિત થવાની શક્યતા વધુ છે. ત્યારે હાલ તમામ પરિબળો ચકાસતા કોંગ્રેસની સ્થિતિ મજબૂત હોવાનું અને ભાજપ પણ અંદરખાને આ સ્વીકારી ચુક્યું હોવાનું લાગી રહ્યું છે. જો કે આગામી 20 તારીખે ચૂંટણી યોજાનાર છે અને ભાજપ છેલ્લા દિવસોમાં લોકોના નિર્ણય બદલવાની અનોખી આવડત ધરાવે છે. ત્યારે જસદણની ચૂંટણીમાં ભાજપ આવો કોઈ દાવ ખેલશે કે નહીં તેના પર સૌની મીટ મંડાયેલી છે.

અપક્ષ ઉમેદવારોનો ઉડીને આંખે વળગે તેવો પ્રચાર

જસદણ પેટાચૂંટણીમાં અપક્ષ તરીકે ઉમેદવારી કરનારા ઉમેદવારો પણ ભાજપ-કોંગ્રેસ બંનેને પાડી દેવાના મૂડમાં હોય તેમ ઉડીને આંખે વળગે તેવો પ્રચાર કરી રહ્યા છે. રવિવારે આ પૈકી એક પરિવર્તન પાર્ટી ની ભવ્ય રેલી નિકળી હતી. જેમાં ખરેખર ભાજપ-કોંગ્રેસ કરતા વધુ લોકો જોવા મળ્યા હતા. આ પાર્ટીના ઉમેદવાર પણ કોળી જ્ઞાતિના હોવાનું જાણવા મળ્યું હતું. જયારે નવનિર્માણ નામથી એક પાટીદાર ડોક્ટર ઉમેદવારનો પ્રચાર પણ ભારે જોરશોરથી થઈ રહ્યો છે. ત્યારે અપક્ષ ઉમેદવારોનો આ પ્રચાર પણ ભાજપ-કોંગ્રેસ બંનેના ગણિત બગાડી શકે એમ છે. જોકે તેમાં પણ ભાજપને નુકસાન થવાની શક્યતા વધુ છે.