મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : જસદણ પેટાચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ દ્વારા સામસામા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે કોંગ્રેસ દ્વારા આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે ભાજપે ઇન્દ્રનીલનીના લોક ડાયરામાં કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાનો પ્રચાર કરવામાં આવતો હોવાનું જણાવી લોકડાયરાનો ખર્ચ નાકિયાને ભોગવવા રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે નાકિયાને ચૂંટણીપંચ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. 

અમરાપરની આશ્રમ શાળામાં ચાલતા કાર્યાલય અંગે કોંગ્રેસે પણ આચારસંહિતા ભંગની ફરિયાદ કરી હતી. જો કે ત્યાં કુંવરજીનું નિવાસસ્થાન હોવાનું જણાવી ચૂંટણીપંચે આ ફરિયાદ ફગાવી દીધી હતી. જ્યારે ઈન્દ્રનીલ રાજ્યગુરૂ કોઈપણ પક્ષમાં ન હોવા છતાં તેમના ડાયરાને કોંગ્રેસનો પ્રચાર ગણી આ દરમિયાન થયેલી સભાનો ખર્ચ વસૂલવા માટે ચૂંટણી પંચે નાકિયાને નોટિસ પાઠવતા કોંગ્રેસમાં રોષ જોવા મળી રહ્યો છે. અને ચૂંટણી પંચ ઉપર બેવડા ધારા-ધોરણ અપનાવતું હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. તેમજ ભાજપ સરકારી અધિકારીઓનો દુરૂપયોગ કરતું હોવાનું પણ કોંગ્રેસ દ્વારા જણાવાઈ રહ્યું છે.