મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. જેમાં કુલ 105 ગામોમાં સરેરાશ 71.27 ટકા મતદાન નોંધાયું છે. હાલ કુંવરજી તેમજ નાકિયા સહિતના 8 ઉમેદવારોનું ભાવિ EVM માં સીલ થયું છે. મતદાન પૂર્ણ થયાની સાથે જ સામે આવેલા એક્ઝિટ પોળના આંકડાઓ અને બુકી બજારમાં ભારે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. જો કે સાચું પરિણામ તો આગામી 23 તારીખે જ જાણી શકાશે.

GNS ન્યૂઝના એક્ઝિટ પોલ મુજબ મંત્રી કુંવરજીનો નહીં પણ તેમના ચેલા કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાનો ઘોડો વીનમાં છે. કોંગ્રેસમાંથી આ બેઠક પર સતત પાંચ વખત જીતનાર કુંવરજીએ પક્ષ બદલ્યા બાદ પણ જીતની તરફ હોવાનું બપોર સુધી જણાતું હતું. જો કે છેલ્લી ઘડીએ મતદાનના આંકડાઓએ બાજી પલટાવી નાંખી છે તેવું મનાય છે અને કોંગ્રેસના ઉમેદવાર નાકિયાને વિધાનસભા ગૃહમાં બેસવાનો અવસર મળે તેમ એક્ઝીટ પોલનો ઇશારો જણાવી રહ્યો છે.

ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન જસદણ બેઠક માટે પેટા ચૂંટણીમાં આજે અંદાજે 72% મતદાન થયું છે. જેમાં કુંવરજી બાવળીયાને 45% અને નાકિયાને 48% જ્યારે અન્યને 7% મત મળવાની ધારણા છે, જેને આધારે કોંગ્રેસના અવસર નાકિયાને આશરે 4000 થી 6000 સુધીની સરસાઇથી જીતવાની શક્યતાઓ રહેલી છે. જોકે મતોની ટકાવારીમાં ફક્ત ત્રણ ટકાનો જ ફર્ક હોવાથી કટોક્ટની સ્થિતી સર્જાવાની શક્યતા રહેલી છે.

બીજી તરફ બુકી બજારનું માનીએ તો ભાજપના કુંવરજી બાવળીયા તેમાં નાકિયાને પાછીપાની કરાવે છે. બુકીઓ દ્વારા બાવળીયા માટે 0.40નો ભાવ નક્કી કરવામાં આવ્યો છે અને નાકિયાની જીત માનવા તૈયાર ન હોવાથી તે માટેનો કોઈ ભાવ બોલાતો નથી. કુંવરજી દ્વારા 51 હજારની લીડથી જીત થવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ રાજકીય નિષ્ણાંતોના જણાવ્યા મુજબ 5-7 હજાર મત કરતા વધુ સરસાઈ કોઈપણ પક્ષને મળવાની શક્યતા નહિવત છે. છતાં હાલ તો પ્રતિષ્ઠાના જંગ સમાન આ ચૂંટણીના પરિણામોની બંને પક્ષો દ્વારા આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે.