તુષાર બસિયા, (મેરાન્યૂઝ.અમદાવાદ): વિશ્વભરમાં ફડફડાટ ફેલવતો કોરોના વાયરસ માનવજાત સામે પડકાર ફેંકી રહ્યો છે. હજારો મોત ભયાનક વાતો અને ફફડાટ ફેલાવતા સમાચારોથી સૌ કોઈ સુન્ન છે. કોરોનાને અટકાવવા દવા છંટકાવ, આરોગ્ય તપાસ, આઇસોલેશન તેમજ ક્વોરન્ટાઇન જેવા પગલાં લેવાઈ રહ્યા છે. જે પગલે ભારતમાં પણ જનતા કફર્યું લાગુ પાડવામાં આવ્યું જેને સફળ પ્રતિસાદ મળ્યો.

આજે અમદાવાદની સડકો સુમસામ અને વાતાવરણ ભેંકાર ભાસતું જોવા મળ્યું. ડર સમજી શકાય તેવો અને વાજબી પણ છે. ડરના માર્યા લોકો ઘરમાં પુરાઈ પોતાને બચાવી રહ્યા છે. રખેને આ કફર્યું લાબું ચાલે તો એ ભયે ઘરમાં જરૂરિયાતનો સામાન જરૂરથી પણ વધુ એકઠો કરવાનું કાર્ય પણ લોકો એ કર્યું. આ બધી વાતો વચ્ચે અમદાવાદમાં માનવતા પણ જોવા મળી હતી. જોકે આ માનવતા ભારે પણ પડી શકે તેમ હતી, કેમકે વાઇરસ ભલાઈને ભરખે નહીં એવું નથી હોતું. છતાં કોરોનાનો ભયંકર ડર પણ સેવા અને સતકર્મોને રોકી શક્યો નહીં.

ટ્રેન, બસ, ઓટો રીક્ષા, ટેક્સી જેવી સેવાઓ પણ બંધ થવાથી યાત્રિકો અટવાય નહીં તેનો કોઈ વૈકલ્પિક માર્ગ પણ તંત્ર પાસે નહોતો. આવા સમયે અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશનમાં ફસાયેલા યાત્રિકોને ફરજિયાત બહાર કાઢવામાં આવતા હતા પણ બહારના યાત્રિકો જાયે તો જાયે કહા. આ ઘટનામાં રઝળતા યાત્રિકોને વહારે આવ્યા કાલુપુર વિસ્તારના યુવકો. આ યુવકો ફસાયેલા યાત્રિકોને સીલપેક પીવાના પાણીની બોટલો અને સીલપેક નાસ્તાના પેકેટ આપતા જોવા મળ્યા હતા. યુવકો સાથે વાત કરતા તેઓ નામ નહીં આપવાની શરતે જણાવે છે કે પોલીસે અમને રોકવાના પ્રયત્નો કર્યા પણ જો અમે તેમની વાત માનીએ તો આ યાત્રિકોનું શું થાય એ પ્રશ્ન છે. યાત્રિકો પાસે કોઈ વિકલ્પ નથી કેમકે હોટેલના ઊંચા ભાડા પોસાય નહીં તેવા છે અને ભૂખ્યા તરસ્યા યાત્રિકોને તંત્ર દ્વારા કોઈ ચીજ નથી આપવામાં આવતી. આ યુવકોની વાતની ખરાઈ કરતા એ વાત સત્ય હતી. આમ માનવતા માટે પોતાની જાન જોખમમાં મુકતા અધિકારીઓ વચ્ચે આવા સેવાભાવી યુવકો પણ હતા જે સેવા કરતા જોવા મળ્યા હતા.

• આખરે માણસ જ તો માણસને કામ લાગે.
બીજી ઘટનામાં રિલીફ રોડ અને વીજળી ઘર આસપાસના વિસ્તારોમાં યુવકો વાહન પર નાસ્તા અને પાણીની બોટલો સાથે ફરતા જોવા મળ્યા. આ યુવકો એ લોકોને ભોજન પાણી આપતા હતા ને રસ્તા પર કે દુકાનોના ઓટલા પર સુવા મજબૂર હતા. યુવકોના કહ્યાં પ્રમાણે એવા લોકો માટે કોઈ જ વ્યવસ્થા સરકારે કરી નથી જે રાત પડે ત્યાંજ ઘર સમજી સુતા હોઈ છે, અને સવારે મજૂરી કરવા નીકળી પડે છે. આવા ગરીબો પાસે તો સ્ટોરેજ કરવા માટે પણ કઈ વાસણ નથી તો સંગ્રહ કરે શેનો. માટે એમની ચિંતા બપોર સુધી કરી અને આખરે અમે ખુદ તેમની મદદે નીકળી ગયા. વાઇરસના ફેલાવા અને ચિંતા અંગે પૂછતા આખરે યુવકે કહ્યું સાહેબ અમે પણ સમજીને ગંભીરતા પૂર્વક કામ કરી રહ્યા છીએ આ એ કામ છે જે તંત્રને કરવું જોઈતું હતું પણ ના છૂટકે અમે કરીયે છીએ, આખરે માણસ જ તો માણસને કામ લાગે ને.

• દરિયાદીલી જે ભલભલા અમીરોને પણ ટક્કર મારે.
ત્રીજી ઘટના એલિસબ્રિજ પાસેની છે જ્યાં હોટેલ માલિકે હોટેલ સામે દીવાલ નજીક વસેલા મજૂરોને જોયા. જેને પોતાની હોટેલના કર્મચારીઓને બપોરની ગરમીમાં એ મજૂરોને લસ્સી વિતરણ કરવાનો આદેશ કર્યો. લસ્સી વિતરણ માટે નીકળેલ ૨ હોટેલ કર્મચારી પણ કબીલેદાદ કાર્ય કરતા જોવા મળ્યા હતા. એ કર્મચારીઓ સાથે વાતચીત દરમ્યાન બુલેટ પર આવેલ પડછંદ કાયાના યુવકે કર્મચારીઓ ને પૈસાની ઓફર કરતા જણાવ્યું કે હજુ વધુ લસ્સી વિતરણ કરો ખર્ચ હું આપું છું કર્મચારીએ ના કહી પણ યુવકે હોટેલ માલિક અને કર્મચારીના ભરીભરી ને વખાણ કર્યા. આ એવી દરિયાદીલી હતી જે ભલભલા અમીરોને પણ ટક્કર મારે.

આ ત્રણેય સ્થળે અમુક સામ્યતા હતી જેમકે માણસમાં માણસ દેખાતો હતો, નાતજાત પૂછવામાં નહોતી આવતી, કોઈ ભય કે ડર નહોતો, નજરમાં ઝેર નહોતું બસ પ્રેમ અને સેવા ભાવ હતો. જે શિયાળ જેવા લુચ્ચા બની ગયેલા માણસમાં ભાગ્યે જ જોવા મળે છે.