મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગરમાં દિવસ-રાત ટ્રાફિકથી ધમધમતા સાત રસ્તા વિસ્તારમાં સરા જાહેર એક યુવાનની કરપીણ હત્યા નિપજાવવામાં આવી છે. જૂની અદાવતમાં અમુક શકદારોએ યુવાનને મોડી રાત્રે આંતરી લઇ છરીના ઉપરા ઉપરી ઘા ઝીકી ગણતરીની મિનિટોમાં જ યુવાનનો ખેલ તમામ કરી નાશી જતા ચકચાર મચી ગઇ છે. ઘટના સ્થળે પહોંચેલ મૃતકના માતા બેશુદ્ધ થઈ ગયા હતા. પોલીસ નાશી ગયેલા શખ્સોનું પગેરું મેળવવામાં સફળ રહી છે.

જામનગરમાં છેલ્લા છ દિવસમાં હત્યાની ત્રીજી ઘટના સામે આવી છે. શહેરના ખંભાળિયા નાકા પાસે રહેતા દીપકભાઈ જોઇસર નામના યુવાન ગઈ કાલે મોડી રાત્રે દસેક વાગ્યાના સુમારે સાત રસ્તા પાસેથી પસાર થતો હતો ત્યારે ત્રણ-ચાર અજાણ્યા શખ્સોએ યુવાનને આંતરી લઇ, ધારદાર છરી સહિતના તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો.

પતાવી દેવાના ઇરાદે જ આવેલા આરોપીઓએ યુવાનને ગળા અને પેટના ભાગે ઉપર ઉપરી છરીના ઘા મારી યુવાનને ક્રૂરતા પૂર્વક રહેંસી નાખ્યો હતો. ચો તરફા હુમલો થતા જ યુવાન ઘટના સ્થળે જ લોહીના ખાબોચિયામાં ઢળી પડ્યો હતો. યુવાનની હત્યા થઈ ચૂકી છે એમ લાગતા હુમલો કરતા આરોપીઓ હથિયારો સાથે નાશી ગયા હતા. જામનગરમાં સતત ધમધમતા સાત રસ્તા સર્કલ પાસે જ યુવાનની હત્યા થઈ જતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં ડીવાયએસપી, એલસીબી, એસઓજી અને સીટી બી ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે નાશી ગયેલા શખ્સોને પકડી પાડવા નાકાબંધી કરાવી ત્વરિત શોધખોળ શરૂ કરી. આ ઘટનાને પગલે ભાનુશાળી સમાજના આગેવાનો અને પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. લોહીથી ખરડાયેલા પુત્રનો મૃતદેહ જોઈ તેના માતા ઘટના સ્થળે જ બેશુદ્ધ થઈ ગયા હતા.

પોલીસે ઘટના સ્થળના ટોળા વિખેરી, મૃતદેહને જીજી હોસ્પિટલ ખસેડયો હતો. મૃતકના પરિવાર જનોએ ચાર પાડોશી શખ્સો સામે શંકા ઉચ્ચારી હતી. સાત માસ પૂર્વે બંને પક્ષે માથાકુટ થઈ હતી, કૂતરાઓને ખવડાવવા જેવી બાબતે થયેલ માથાકૂટમાં જે તે સમયે પણ દીપકને ઇજા પહોંચી હતી. આ બાબતને મન દુઃખને લઈને આરોપીઓએ હત્યા નિપજાવી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. જિલ્લા જેલમાં ટિફિન સર્વિસનું કામ કરતા યુવાનની હત્યા થઈ જતા પોલીસે ત્વરિત ચક્રો ગતિમાન કરી અમુક શકમંદોને કલાકોમાં જ ઉપાડી લીધા હોવાની વિગતો જાણવા મળી છે. આ ઘટનાની ફરિયાદ અને વિધિવત આરોપીઓની ધરપકડ શનિવારે બપોરે થશે એમ પોલીસમાંથી જાણવા મળ્યું છે.