મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગર જિલ્લાના મોટી ગોપ ગામના પાટિયા પાસે આજે સવારે એક આહીર યુવાનની કરપીણ હત્યા નિપજાવવામાં આવી છે. હત્યા, દારૂ, મારામારી અને બળજબરી પૂર્વક જમીન દબાણ સહિતના અનેક પ્રકરણમાં સંડોવાયેલ ગોપ ગામના મૃતક આહીર યુવાન અને અન્ય યુવાનો પર આજે સવારે અમુક શખ્સોએ આંતરી લઇ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી કુખ્યાત શખ્સની કરપીણ હત્યા નિપજાવી નાસી છૂટ્યા છે. અગાઉના મનદુઃખને લઈને યુવાનની હત્યા નિપજાવવાવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સામસામે થયેલ જૂથ અથડામણમાં સામેના પક્ષે પણ બે-ત્રણ શખ્સોને ઇજા પહોંચતા જામનગર ખસેડાયા છે. 

જામનગર જિલ્લા જેલ પ્રશાસન સામે ફરિયાદ કરનાર કાચા કામના કેદી સામત જેઠાભાઈ નંદાણીયાની આજે સવારે જિલ્લાના જામજોધપુર પંથકના પોતાના વતન મોટી ગોપ ગામના પાટિયા પાસે કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. જેની વિગત મુજબ, હત્યા, હત્યા પ્રયાસ, મારમારી, દારૂ અને જમીન દબાણ સહિતના કેશમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા સામત જેઠા નંદાણીયા હાલ જામનગર જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે જેલ ભોગવી રહ્યો હતો. કાચા કામના કેદી તરીકે અંદર રહેલા આ કેદીએ એક હવાલદારને ધમકાવ્યાની સિટીએ ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરી હતી. સામે પક્ષે સામતે પણ પ્રશાસન સામે આક્ષેપો લગાવ્યા હતા કે પોતાની તબિયત નબળી હોવા છતાં સારવાર કરવામાં આવતી નથી. દરમિયાન સામતે કોર્ટમાં અરજી કરી પેરોલ માંગ્યા હતા.

કોર્ટે બે દિવસ પૂર્વે જ પેરોલ મંજુર કરતા સામત જેલમાંથી બહાર આવ્યો હતો. દરમિયાન આજે સવારે સામત અને તેની સાથેના અન્ય શખ્સો મોટી ગોપ ગામના પાટિયા પાસે કારમાં જતા હતા ત્યારે અમુક શખ્સોએ પૂર્વ પ્લાનિંગ મુજબ કારને આંતરી લઈ, તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી દીધો હતો. જેમાં સામતને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયુ હતું. સામસામે થયેલ મારા મારીમાં સામેના જૂથના બે-ત્રણ શખ્સોને ઇજા પહોંચતા જામનગર જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવના પગલે જ જોધપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકનો કબ્જો સંભાળી ઘાયલોને અને મૃતકને જામનગર હોસ્પિટલ ખસેડયા હતા.

આ બનાવના પગલે ગોપ ગામે સનસનાટી સાથે દોડધામ મચી ગઇ હતી. હત્યા નિપજાવનાર જૂથ અને હત્યાનો ભોગ બનેલા સામત અગાઉ સાથે જ કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. સમય જતા બંને પક્ષે કોઇ બાબતે મનદુઃખ થયું હતું. જેને લઈને આ હુમલો કરાયો હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે.

મૃતક સામતનો ભૂતકાળ અનેક ગુનાઓથી ખરડાયેલો છે. મારામારી, દારૂ, હત્યા પ્રયાસ, હત્યા અને જમીન પચાવી પાડવા દબાણ સહિતના અનેક ગુના નોંધાયેલ છે. હાલ સામત જિલ્લા જેલમાં હત્યા સંદર્ભે કાચા કામના કેદી તરીકે અને હાલ પેરોલ પર હોવાની વિગતો જાણવા મળી છે.