મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગરમાં આજે વહેલી સવારે ડેન્ટલ કોલેજ પાછળ આવેલા જીમખાના નજીકથી એક યુવાનનો લોહીથી ખરડાયેલ મૃતદેહ મળી આવતા ચકચાર સાથે સનસનાટી મચી ગઈ હતી. અજાણ્યા શખ્સોએ યુવાનને છરી અને બોથડ પદાર્થના સંખ્યાબંધ ઘા જીકી પતાવી દીધો હોવાનું સામે આવ્યું છે. પોતાના ભાઈની ચાની કેબીનમાં કામ કરતા યુવાનને કોણે અને કેવા સંજોગોમાં પતાવી દીધો છે ? તેનો તાગ મેળવવા એલસીબીની સાથે સીટી બી ડીવીઝન પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

 એક તરફ તંત્ર વાવાજોડાની સ્થિતિને લઈને ઉચ્ચક જીવે કામ કરી રહ્યું હતું ત્યાં જ યુવાનનો સંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી. ડેન્ટલ કોલેજમાં પાછળના ભાગે આવેલા જુના જીમખાનામાં મુકેશ પાટડીયા ઉવ ૨૨ નામના યુવાનની રાત્રીથી માંડી સવાર સુધીના ગાળામાં અજાણ્યા સખ્સોએ તીક્ષણ અને બોથડ હથિયાર વડે હુમલો કરી ઢીમ ઢાળી દીધું હતું. આજે સવારે યુવાન મુકેશ કોળીનો લોહીથી ખરડાયેલી હાલતમાં મૃત દેહ મળી આવ્યો હતો.

આ ઘટનાની સીટી બી ડીવીઝન પોલીસને જાણ થતા પીઆઈ પરમાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો. યુવાનની કરપીણ હત્યાના પગલે એલસીબીનો સ્ટાફ પણ ડેન્ટલ કોલેજ પાછળ પહોચ્યો હતો. જ્યાં પોલીસે લોહીથી ખરડાયેલા યુવાનના દેહનો કબજો સંભાળ્યો હતો. એક થી વધુ શખ્સોએ મુકેશ ઉર્ફે વડો પર છરી જેવા હથિયારથી હુમલો કરી માથા તથા પેટ અને વાસાના ભાગે ઉપરાઉપરી ઘા મારી કરપીણ હત્યા નીપજાવી નાશી જતા પોલીસે ઘટનાની કડીઓ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે. માથાના ભાગે બોથડ પદાર્થના ઘા માર્યા હોવાનું પણ પોલીસમાંથી જાણવા મળ્યું છે. ખાલી પેન્ટ જ પહેરેલી હાલતમાં મળેલ મૃતદેહને પોલીસે હોસ્પિટલ ખસેડી પોસ્ટ મોર્ટમ વિધી હાથ ધરી હતી.

મૃતક ડેન્ટલ કોલેજની બહાર પોતાનાભાઈની ચાની કેબીનમાં કામ કરતો હતો. કબીરનગરમાં રહેતા મુકેશ પાટડીયા પોતાના ત્રણ ભાઈઓમાંથી સૌથી નાનો હોવાની વિગતો જાણવા મળી છે. બીજી તરફ હત્યારાઓની ભાળ મેળવવા પોલીસે ડેન્ટલ કોલેજના સીસીટીવી ફૂટેજ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.