મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના બોડકા ગામે આશા વર્કર ભાભી અને આંગણવાડી હેલ્પર તરીકે ફરજ બજાવતી બે નણંદ-ભોજાઇ અને મનરેગા યોજનામાં મેટ તરીકે કામ કરતા એક શખ્સને જીલ્લા વિકાસ અધિકારીએ ફરજ મોકૂફ કરી દીધા છે. એક જ પરિવારના ત્રણેય શખ્સોએ મળીને રૂપિયા ૬૦ હજારની સરકારી ઉચાપત કરી હોવાની વિગતો સામે આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ કઈ રીતે આચરી ઉચાપત?

જોડિયા તાલુકામાં મનગરેગા યોજના તળે રોજગારી લક્ષી કામગીરી કરવામાં આવી હતી. આ યોજના તળે સરકારી રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે તેવી જીલ્લા વિકાસ અધિકારી સમક્ષ ફરિયાદ આવી હતી, જેને લઈને તત્કાલીન ટીડીઓ અને પ્રો નાયબ કલેકટર પ્રશાંત મંગુડાએ ખાતાકીય તપાસ કરી હતી. જેમાં તાલુકાના બોડકા ગામે ચાલતી કામગીરીમાં મસ્તર તરીકે કામગીરી સંભાળતા મેટ સોલંકી સંજય વિનુભાઈએ તેમના પીએચસીમાં ફરજ બજાવતા ભાભી ભાવનાબેન નરેશભાઈ સોલંકી અને આંગણવાડીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતી પત્ની વર્ષાબેન સોલંકીના નામની ખોટી હાજરી પુરી હતી.

જો કે આ કામગીરી દરમિયાન બંને નણંદ-ભોજાઇ પોતાની નોકરી પર હોવાનું સામે આવ્યું હતું. ખોટી હાજરી પુરી ત્રણેય શખ્સોએ સરકારી તિજોરીમાંથી રૂપિયા ૫૯૫૨૪ની ઉચાપત કરી લીધી હતી. આ પ્રકરણ અંગેની ખરાઈ કરી બંને અધિકારીઓએ સમગ્ર રિપોર્ટ જીલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજુ કર્યો હતો. આ રિપોર્ટના આધારે ડીડીઓ પ્રશસ્તિ પરીકે એક જ પરિવારના ત્રણેયને પોતાની ફરજ પરથી મોકૂફ કરી સરકારી નાણાની જે ઉચાપત કરી છે તે પણ ત્રણેય પાસેથી વસુલ કરી છે. બીજી તરફ સરકારી નાણાની ઉચાપત હોવા છતાં અને ફોજદારી કેશ બનતો હોવા છતાં સરકારી તંત્રએ કેમ પોલીસ ફરિયાદ ન કરી તે પણ ચર્ચાનો વિષય છે.