જયંત દાફડા (મેરાન્યૂઝ.જામનગર): સોશિયલ મીડીયાનો ક્રેઝ યુવકને ભારે પડ્યો. સોશિયલ મીડીયા પર પોતાનો રોલો જમવા જતાં યુવકનું એક્ટિવા રેલવેના પાટા પર ફસાઈ ગયું. સેલ્ફીના ચક્કરમાં  મૃત્યુના બનાવો નોંધાયા હોવાના ઘણાં કિસ્સાઓ બહાર આવી ચૂક્યા છે, ઘણી વખત જાેખમી જગ્યાએ લોકો ફોટા પડાવવા માટે જતા હોય છે અને તેમના જીવનનો છેલ્લો ફોટો બનીને રહી જાય છે, માટે સાવધાન રહેવું જરૂરી છે. આવી જ એક ઘટના સોશ્યલ મીડીયામાં વાયરલ થઇ છે. જેમાં જામનગર સાંઢીયા પુલ પાસે રેલ્વે ટ્રેક પર ફોટોગ્રાફી કરતી વખતે અચાનક ટ્રેન આવી જતાં ટ્રેક પર સ્કુટી મુકીને યુવકને ભાગવાનો વારો આવ્યો હતો.

ગઇકાલે મોડી સાંજે રેલ્વે ટ્રેક પર ફોટોગ્રાફી કરવા ગયેલા યુવકનો વિડીયો વાયરલ થયો હતો. યુવાન રેલ્વે ટ્રેક પર સ્કુટી રાખીને ફોટોગ્રાફી કરતો હતો.  એ વખતે અચાનક ટ્રેન આવી જતાં યુવાનનો પરસેવો છૂટી ગયો હતો. ઘણાં પ્રયત્ન કર્યા છતાં યુવક ટ્રેક પરથી સ્કુટી હટાવી શક્યો નહીં જેથી ટ્રેન આવી જતાં સ્કુટીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. યુવાન ટ્રેકની બહાર નીકળી જતાં તેનો બચાવ થયો હતો.  ફોટોગ્રાફી અને સોશ્યલ મીડીયામાં ટ્રેંડિંગમાં રહેવા માટે લોકોના અખતરા જીવને જાેખમમાં મૂકે છે તેનું આ ઉદાહરણ છે.