મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ સમસ્ત ભારત દેશમાં સૌથી નાની વયે આઈપીએસ અધિકારી તરીકેનું પદ મેળવનાર સફીન હસનની કેરિયરનું સૌથી પહેલું પોસ્ટીંગ તેમને જામનગરમાં મળ્યું છે. અહીં તેઓ આસીસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ (એએસપી) તરીકેનું જવાબદારી સંભાળશે. તેમની ઉંમર હજું માત્ર 22 વર્ષની છે અને તેઓ આ પદ માટે જરૂરી તમામ પરીક્ષાઓમાં ઉતિર્ણ થયા છે. યુપીએસસી પરીક્ષામાં તેઓએ ઓલ ઈન્ડિયામાં 520મો રેન્ક મેળવ્યો છે. તેઓએ આ પરીક્ષા પ્રથમ પ્રયાસમાં જ પાસ કરી દીધી છે. જોકે ગુજરાત કેડરમાં સૌથી યુવાન આઈપીએસ પી સી પાન્ડે હતા. જેમની ઉંમર 21 વર્ષ હતી ત્યારે તેઓ આઈપીએસ બન્યા હતા. જોકે કોઈ ગુજરાતી યુવક ગુજરાત કેડરમાં સૌથી યંગ આઈપીએસ હોય તો તે સફીન હસન છે.

સફીન હસન ભારતના સૌથી નાની વયના આઈપીએસ અધિકારી છે. તેઓ આમ તો બનાસકાંઠાના કાણોદર ગામના રહેવાસી છે અને તેમનું પ્રથમ પોસ્ટીંગ જામનગર ખાતે થયું છે.  તેમણે પોતાના ગામમાં જ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે. જે પછી તેઓ બી ટેક કરવા માટે સુરત ગયા હતા અને તેમણે જીપીએસસી અને યુપીએસસી પરીક્ષા આપી હતી. જેમાં તેઓ ક્લાસ વન અધિકારી તરીકે ઉતિર્ણ થયા છે. તેમણે આ અંગે પોતાની મહેનત પર વિશ્વાસ રાખ્યો હતો અને પોતાની આવડતને પગલે તેઓ નાની ઉંમરે આ મુકામ હાંસલ કરી શક્યા હતા. હવે જો કે તેઓ જ્યારે પોસ્ટીંગ મેળવ્યા પછી કામગીરી શરૂ કરશે ત્યારે આગામી સમયમાં તેમની મહેનત અને કાબેલિયત લોકોના કેટલા કામમાં આવે છે તે તેમની ખરી પરીક્ષા રહેશે.