મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગરમાં લાખોટા તળાવની પાળે ફરવા આવેલા દંપતિની અઢી વર્ષની માસુમ બાળકીનું એક મહિલા અપહરણ કરી ગઇ હોવાનું પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે. સીસી ટીવી ફૂટેજમાં બાળકીનો હાથ પકડી લઇ જતી મહિલાની ભાળ મેળવવા માટે પોલીસ દ્વારા તપાસના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

જામનગરમાં બાળકી અપહરણનો કિસ્સો નોંધાતા સનસનાટી મચી જવા પામી છે. જેની વિગત મુજબ શહેરના સાંઢીયા પુલ પાસે મહાલક્ષ્મી બંગ્લોઝમાં રહેતા પૂનમબેન ઘનશ્યાભાઇ વીંઝુવાડીયા ગઇકાલે રવિવાર હોવાથી લાખોટા લેખ ખાતે પોતાની અઢી વર્ષની પુત્રીને લઇ ફરવા આવ્યા હતા. દરમ્યાન સાંજના છ વાગ્યાના સુમારે માતા પૂનમબેનની નજર ચુકી એક મહિલા અઢી વર્ષની બાળકીનો હાથ પકડી અપહરણ કરી લઇ ગઇ હતી.

પોતાની આસપાસ પુત્રી નહીં જાવા મળતા માતાએ હાફડા ફફાડા બની જઇ આમ તેમ શોધખોળ કરી હતી પરંતુ બાળકી નહી મળતા આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાને લઇને સીટી એ ડીવીઝન પોલીસ દફતરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે તળાવની પાળના સીસી ટીવી ચેક કરતા એક મહિલા આ બાળકીનો હાથ પકડી દોરી જતી જોવા મળી હતી. મુસ્લીમ જેવો પહેરવેશ ધારણ કરેલ આ મહિલાની ઓળખ મેળવવા માટે પોલીસે તાત્કાલીક તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જો કે હજુ સુધી મહિલાનો કે બાળકીનો પત્તો લાગ્યો નથી. આ ઘટના અંગે અપહૃત બાળકીની માતાએ અજાણી વ્યકિત સામે આઇપીસી કલમ 363 મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવે શહેરભરમાં ભારે ચકચાર જગાવી છે.