મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગર જિલ્લા વિકાસ અધિકારી અને અમદાવાદમાં ફરજ બજાવતા આઇપીએસ અધિકારીના ઘરે પારણું બંધાયુ છે. જામનગર જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારીકએ ગઇકાલે પુત્રને જન્મ આપ્યો છે. પ્રસુતી ગાળાના અંતિમ દિવસો સુધી જિલ્લા વિકાસ અધિકારી ફરજ બજાવી પોતાની નૈતિક જવાબદારી અદા કરી છે. 

જામનગર જિલ્લાના પૂર્વ પોલીસ વડા પ્રદિપ શેજુલ અને  તત્કાલિન પોરબંદર જિલ્લા પોલીસ વડા શોભા ભુતડાએ પોતાની સનદી સેવા દરમ્યાન એકબીજાથી નજીક આવી સંસારમાં ડગ માંડયા હતા. ગુજરાત કેડરના આઇપીએસ લોબીનો આ પ્રથમ કિસ્સો હતો. આ બાદ વધુ એક આઇપીએસ અને આઇએએસના ફરજ કાળ દરમ્યાન પોતાના ઘરે પ્રથમ સંતાનનો જન્મ થયો છે. ગુજરાત કેડરના આઇએએસ અને જામનગર જિલ્લાના ડી.ડી.ઓ પ્રશસ્તિ પારીક અને અમદાવાદ ઝોન-2ના આઇપીએસ ધર્મેન્દ્ર શર્માએ લગ્ન કરી સંસારની શરૂઆત કર્યા બાદ હાલ બન્નેના ઘરે ખુશીનો અવસર આવ્યો છે. ગઇકાલ સુધી જામનગર જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવનાર પ્રશસ્તિ પારીકએ ગઇકાલે સાંજે તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો છે.

જેને લઇને આઇએએસ અને આઇપીએસ લોબીના અધિકારીઓએ દંપતિને શુભેચ્છાઓ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે, પોતાના પ્રસુતીના અંતિમ દિવસો હોવા છતા પણ પારીક પોતાની ફરજ પર કાયમ રહ્યા હતા.