મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ તમામ પ્રોફેસનમાં એક ભૂલ કદાચ સામાન્ય ઘણી શકાય પણ તબીબી પ્રોફેસનમાં એક ભૂલથી કોઈના સુખી પરિવારની બલી ચઢી જતી હોય છે. આવી જ એક ઘટના જામનગર ખાતે બનવા પામી છે જ્યાં એક માતા પોતાના બાળકનું મોંઢું જુએ તે પહેલા જ તેની આંખો મીચાઈ ગઈ છે અને કરમની કઠણાઈ તો એવી છે કે આ મહિલા પોતે પોલીસ કોન્સ્ટેબલ હોવા છતાં પણ પોલીસ દ્વારા કોઈ પગલા ન લેવાયાના આક્ષેપ સાથે પરિવારના આંસુ નથી સુકાતા. પોલીસ જ પોલીસને ન્યાય નથી અપાવી શકતી તો સામાન્ય જનતાને શું અપાવવાની તેવા સવાલો અને મહેણાં લોકોના મોંઢે સાંભળવા મળી રહ્યા છે.

વાત એમ છે કે, જામનગર સીટી બી ડિવિઝન પોલીસ મથકે મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કોમલબેન દામજીભાઈ નકુમ (ઉં.વ, 29)ને પ્રસુતિ માટે ટાઉનહોલ પાસે આવેલી સંકલ્પ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમની સિઝેરિયનથી પ્રસુતિ કરવામાં આવી હતી. પ્રસુતિના ઓપરેશન વખતે તેમનું લોહી અત્યંત વધારે વહી ગયું હતું અને તેમની હાલત વધુ બગડતાં ત્યાંના તબીબો સમજી ગયા હતા કે કેસ હવે તેમના હાથનો રહ્યો નથી. તેમને બાદમાં સરકારી જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું 20મી સપ્ટેમ્બરે મોત થયું હતું. આ અંગે હોસ્પિટલ પર આક્ષેપો થયા હતા. જેને પગલે તેમનું પેનલ પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. 

પોસ્ટ મોર્ટમમાં જ પ્રારંભીક ધોરણે તબીબી બેદરકારી હોવાનું સામે આવ્યું હોવાની વિગતો મળી છે. સિઝેરિયન દરમિયાન ડીઆઈસી (લોહી વહન કરતી નસ) કપાઈ ગઈ હતી. તેના કારણે મહિલા કોન્સ્ટેબલનું લોહી વહી ગયું હતું. આ ભૂલને કારણે તબીબોને ખ્યાલ આવી ગયો હતો કે હવે કેસ પોતાની અક્કલ બહાર જતો રહ્યો છે. હવે જો આ દર્દી પોતાની હોસ્પિટલમાં મૃ્ત્યુ પામે તો હોસ્પિટલનું નામ ખરાબ થાય તેથી થોડી વધુ અક્કલ લગાવી દર્દીને સરકારી જીજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં તેમનું મોત થયું અને પરિવાર આખો તુટીને વિખેરાઈ ગયો હતો. કરુણતા તો ત્યાં થઈ ગઈ જ્યારે મહિલા પોલીસ કોન્સ્ટેબલ માટે તેમના જ ડિપાર્ટમેન્ટની સહાનુભૂતિ જોવા ન મળી. અહીં સુધી કે પોલીસે પોસ્ટમોર્ટમ માટે અગત્યનું કહેવાય તેવું શોર્ટ પોસ્ટમોર્ટમ રિપોર્ટ માગ્યો જ નથી. એક તબક્કે મજુરી કરતા લોકોમાં વધુ લાગણી હોય કે જરૂર પડે સંગઠીત તો થઈ એક બીજાના પડખે રહે, જ્યારે અહીં એવું કાંઈ જ જોવા ન મળ્યું હોવાની લોકોમાં વાતો થવા લાગી હતી અને પોલીસ ડિપાર્ટમેન્ટની થું થું થઈ રહી છે. ખુદ પોલીસ બેડામાં પણ આ અંગેનો અસંતોષ જોવા મળી રહ્યો છે.

કોમલબેનના પતિ રોહિતભાઈનું કહેવું છે કે, હાલ હું કાંઈ જ વિચારી શકતો નથી, મારી માનસિક સ્થિતિ જ સારી નથી. હું પત્નીના રુમ સામે જોવું તો ય મને ચક્કર આવી જાય છે. તેમની વાત પરથી જ અંદાજ આવી શકે છે કે તેઓ પત્નીના મોતના દસ દિવસ બાદ પણ કેટલા ડિસ્ટર્બ છે. તેઓ પોતે મજુરી કામ કરે છે અને આર્થિક સ્થિતિ તેમની સારી નથી. તેમના પત્ની જ્યારે પોલીસમાં નોકરીએ લાગ્યા ત્યારે તેઓ અત્યંત ગર્વ અનુભવતા હતા. તેમને હતું બસ હવે જીંદગી પાટે ચઢી ગઈ. પણ આ તમામ સપનાઓ ઠાલા સાબિત થયા જ્યારે એક તબીબી શસ્ત્રક્રિયામાં પત્નીનું મોત થયું.