મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગર વન વિભાગ દ્વારા આજે શહેરના ધાર્મિક વસ્તુની આડમાં જીવ સૃષ્ટિના મૃત અંગોના વેપલા પર દરોડો પાડ્યો હતો. જુદી જુદી ચાર દુકાનો પર કરવામાં આવેલ કાર્યવાહી દરમિયાન વિપુલ પ્રમાણમાં પ્રતિબંધિત જથ્થો મળી આવ્યો હતો. વન તંત્ર દ્વારા વાઈલ્ડ પ્રોટેક્શન એકટ હેઠળ ફરિયાદ દાખલ કરી ચારેય દુકાનદારોની અટકાયત કરી છે.

જામનગર વન વિભાગના મહિલા ડીસીએફ રાધિકા પરસાણાએ આજે નોકરીના પ્રથમ દિવસે જ શહેરમાં સપાટો બોલાવ્યો છે. જામનગરમાં અનુપમ ટોકીઝ નજીકના વિસ્તારમાં ફોરેસ્ટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જુદી જુદી ચાર ટીમમાં ત્રીસ વનકર્મીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ધાર્મિક ચીજ વસ્તુઓની આડમાં દુકાનદારો શિડયુલ વનમાં સમાવેશ પામતી જીવ સૃષ્ટિના મૃત અંગો વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું.

શિવમ ધાર્મિક વસ્તુ ભંડાર અને ભગવતી પૂજા ભંડાર સહિતની ચાર દુકાનોમાં તંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરાયુ, જેમાં આંદામાન નિકોબારમા જોવા મળતા સી સેલ, હાથાજોડી, ઇન્જા સહિતના શિડયુલ વનમાં સમાવેશ પામતા અને જાતિના અંત થવાના આરે ઊભેલી જીવ સૃષ્ટિના મૃત અંગો મળી આવ્યા હતા. વનતંત્રએ ચારેય દુકાનોમાંથી જથ્થો કબ્જે કરી દુકાનદારોની અટકાયત કરી હતી. આ દુકાનદારો સામે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એકટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.