મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગર મહાનગરપાલિકાની દર માસે મળતી જનરલ બોર્ડની બેઠક દર વખતે તોફાની બનતી હોય છે. વિપક્ષના આક્રમણ વચ્ચે સત્તાધારી જૂથના જવાબોને લઈને પ્રજાકીય પ્રશ્ને દર માસે એક વખત યુદ્ધ છેડાય છે. દર વખતેની કાર્યવાહીનો ચિતાર મીડિયા રજુ કરે છે, પરંતુ આ વખતેની બોર્ડની મીટીંગમાં મેયરને એવું તે શું થયું કે, ચાલુ બેઠકમાં એક વિવાદાસ્પદ એજન્ડા પર થતી ચર્ચા મીડિયામાં પ્રસારિત ન થાય એ હેતુથી મેયરે તમામ મીડિયાકર્મીઓને કેમેરા બંધ કરવા આદેશ કર્યો અને બેઠકમાં નીરવ શાંતિ પ્રસરી ગઈ હતી.

જેને લઈને મીડિયાકર્મીઓએ મેયરના આ નિર્ણયને વખોળી કાઢી બેઠકનો બહિષ્કાર કર્યો હતો પરંતુ વિપક્ષની મધ્યસ્થી વચ્ચે ફરી મીડિયા કવરેજ કરવા પહોચ્યું હતું. આખરે મેયરે આમ કેમ કરવું પડ્યું ? આ અંગે વિપક્ષી નેતા અલ્તાફ ખફીના જણાવ્યા અનુસાર આ બેઠકમાં કુલ સાત એજન્ડા રાખવામાં આવ્યા હતા. જેમાં એક એજન્ડા એવો પણ હતો જે મહાપાલિકામાં જ ફરજ બજાવતા એક ઇજનેરને પ્રમોશન આપી એકઝિક્યૂટિવ એન્જીનીયર તરીકેના પ્રમોશનનો સમાવેશ થતો હતો.

બીજી તરફ જે તે ઈજનેરની સાપેક્ષમાં અન્ય ઈજનેર તેના કરતા વધુ અનુભવી છે. આ ઈજનેરની અવગણના કરી એજન્ડા કઈ રીતે લાવી શકાય, પરંતુ સત્તાધીશો દ્વારા આ પ્રકરણમાં આચારવામાં આવેલ ભ્રષ્ટાચાર ઉઘાડો પડી જવાના અણસાર આવી ગયો હોય તેમ મેયરે મીડિયાકર્મીઓને આ બાબતના એજન્ડાથી દુર રાખવા કેમેરા બંધ કરાવી નાખ્યા હતા. બીજી તરફ સુત્રોનું માનવામાં આવે તો ચોક્કસ લોબી સાથે સંકળાયેલ ઈજનેરને ભાજપના નગરસેવકો, શહેર ભાજપા સંગઠન થી માંડી રાજ્ય મંત્રી સુધીનો ઓછાયો છે ત્યારે ગમે તે રીતે આ ઇજનેરને મુખ્ય ઈજનેર બનાવી દેવા માટેના આ પ્રયાસ છે. હાલ આ મુદ્દો બહુ ગાજ્યો છે.