મેરાન્યૂઝ નેટવર્ક,જામનગર :  જામનગર નજીક સિક્કા ગામે આજે સવારે જીએસએફસીના અધિકારીઓ અને સિક્કાના ગ્રામજનો આમને સામને આવી જતા પરિસ્થિતિ વધુ તંગ બની હતી પરંતુ પોલીસની મધ્યસ્થી વચ્ચે હાલ મામલો શાંત પડી ગયો છે. સરકારી કમ્પની દ્વારા બનાવવામાં આવતી દીવાલને લઈને ગ્રામજનો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. સિક્કા નગરપાલિકાએ આપેલ મંજુરી બાદ શરતોનો ભંગ કરી કંપની મનસ્વી રીતે દીવાલ બનાવી વરસાદી પાણીના નિકાલને અડચણરૂપ બનતી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો આંદોલન ચલાવી રહ્યા છે. જો કે શરતોનો ભંગ કરતા સિક્કા નગરપાલિકાએ મંજુરી રદ કરી છે છતાંપણ કંપની દ્વારા કામ શરુ કરી દેવામાં આવતા આજે સ્થિતિ તંગ બની હતી. 

જામનગર નજીક સિક્કામાં આવેલ જીએસએફસી કંપની દ્વારા એમોનીયા ગેસની પાઈપ લાઈન ફરતે જેટીથી શરુ કરી ઈમાનપીર દરગા, નાગાણી પીર સરમત ભૂંગાથી થઇ કંપની સુધી ફરતે દીવાલ બનાવવાની કામગીરી હાથ ઘરવામાં આવી હતી. આ કામગીરી પૂર્વે કંપની દ્વારા સ્થાનિક નગરપાલિકાની મંજુરી લેવામાં આવી હતી. નગરપાલિકા એ જુદી જુદી સતર શરતોને આધીન દીવાલ બનાવવાની મંજુરી આપી હતી. જો કે કંપની દ્વારા જે દિવસથી પાઈપ લાઈન ફરતે દીવાલ બનાવવાનું કામ શરુ કરાયું તે દિવસથી જ વિરોધ કર્યો છે. સિમેન્ટની પાકી દીવાલ બની જવાથી વરસાદી પાણીનો નિકાલ બંધ  થઇ જવાની દહેશત વ્યક્ત કરી ગ્રામજનોએ કામગીરી અટકાવવા કલેકટર અને સ્થાનિક નગરપાલિકાને રજુઆતો કરી હતી. છેલ્લે એસપી દ્વારા યોજાયેલા લોકદરબારમાં પણ આ મુદ્દો ઉછાળવામાં આવ્યો હતો. બીજી તરફ નગરપાલિકાએ આપેલ મંજુરી સંદર્ભે કંપનીએ શરતોનો ભંગ કરતા નગરપાલિકાએ મંજુરી રદ કરી હતી. બાંધકામ મંજુરી રદ કરવા છતાં પણ કંપની દ્વારા દીવાલનું કામ ચાલુ રાખવામાં આવતા નગરપાલિકાએ કામ બંધ કરવા ઠરાવ કર્યો છે.  આમ છતાં પણ કંપની દ્વારા કામ ચાલુ જ રાખવામાં આવતા આજે ગ્રામજનો અને જીએસએફસીના અધિકારીઓ આમને સામને આવી ગયા હતા. જો કે સ્થળ પર હાજર રહેલ પોલીસે મઘ્યસ થી કરાવી દેતા હાલ મામલો થાળે પડ્યો છે પરંતુ ગ્રામજનો કામગીરી અટકાવી દેવાના પક્ષમાં જ છે, ત્યારે આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ઉગ્ર બનવાની શક્યતા છે.