મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ છેલ્લા કેટલાય વર્ષોથી નબળા ચોમાસા અને વરસાદી પાણીના અપર્યાપ્ત સંગ્રહ સ્થાનોના કારણે દર વર્ષે આઠ માસ સુધી પીવાના પાણીની પારાયણ સર્જાય છે. તંત્ર દ્વારા મોટાભાગનું પાણી નર્મદા પાઇપલાઇન આધારિત લેવામાં આવે છે.  જો કે મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ પાસે મર્યાદિત આવકના સ્ત્રોતના કારણે દર વર્ષે નર્મદા આધારિત પાણીનો ચુકવવામાં આવતો ચાર્જ પડતર રહી જાય છે. જામનગર મહાનગરપાલિકા પાસે નર્મદા નિગમને રૂા.157.12 કરોડની અધધ કહી શકાય એવી રકમ લેવાની નીકળે છે. બીજી તરફ નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારની  સ્થિતિ પણ એવી જ છે. 

જામનગર મહાનગરપાલિકા સહિતના તંત્ર પાસે નર્મદા આધારિત પાણી પુરવઠા પેટે અધધ કહી શકાય તેવો ચાર્જ  આપવાનો થાય છે. જેમાં જામનગર મહાનગરપાલિકાએ વર્ષોથી નર્મદાનું પાણી લઇ માત્ર 2.94 કરોડની રકમ આજ દિવસ સુધીમાં ચુકવી છે. જેની સામે નર્મદા પાણી પુરવઠા તંત્રને રૂા.157.12 કરોડની ચાર્જ પેટેની રકમ ચુકતે કરવાની થાય છે. છેલ્લા કેટલાય વર્ષથી નબળા ચોમાસાના કારણે જામનગર શહેર સહિત જિલ્લાભરમાં પાણીની સમસ્યા અવિરત રહી છે. ત્યારે મહાનગરપાલિકા સહિત નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં પણ નર્મદા આધારિત પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે.

જામનગર મહાનગરપાલિકા બાદ જિલ્લાની એક માત્ર જામજોધપુર નગરપાલિકાને બાદ કરતા અન્ય નગરપાલિકાઓની હાલત પણ જામનગર શહેર જેવી જ છે. જેમાં કાલાવડ નગરપાલિકા પાસેથી નર્મદા પાણી પ્રોજેકટને રૂા. 6.47 લાખ, સિક્કા નગરપાલિકાને 3.20 કરોડ અને ધ્રોલ નગરપાલિકાને 5.61 કરોડનો પાણી વેરો ચુકવવાનો હજુ બાકી છે. એક માત્ર જામજોધપુર નગરપાલિકાનું તંત્ર એવુ છે કે, તેઓને નર્મદા આધારિત પાણીની કયારેય જરૂર પડી નથી. અહીં તાલુકાના સ્થાનિક ડેમ સ્ત્રોતમાંથી પાણી લઇ નગરજનોને પુરૂ પાડવામાં આવે છે.

બીજી તરફ જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો જિલ્લાના 355 ગામડાઓની જુદી-જુદી ગ્રામપંચાયતો પાસેથી રૂા.17.52 કરોડની પાણી ચાર્જની રકમ લેવાની થાય છે. નબળા ચોમાસાના કારણે જામનગર જિલ્લો સતત નર્મદા આધારિત થતો જાય છે. તો બીજી તરફ નર્મદા આધારિત પાણી પેટેનો ચાર્જ પણ સતત વધતો જાય છે. ત્યારે નર્મદા તંત્ર કડક હાથે ઉઘરાણી કરશે ત્યારે કે પાણી પુરવઠો બંધ કરી દેશે ત્યારે  એક બીજા સરકાર તંત્ર વચ્ચે પ્રજા સોપારી બનશે તે ચોક્કસ બાબત છે.

નર્મદા પાણી વ્યવસ્થાપન તંત્ર મહાનગરપાલિકા પાસેથી 150 કરોડ ઉપરાંતની રકમ માંગે છે ત્યારે આટલી મોટી રકમ કઇ રીતના થઇ ? તેના પર નજર કરવામાં આવે તો ખ્યાલ આવશે કે ચીભડા કરતા બી મોટું છે. હાલ મહાનગરપાલિકા પાસે પાણી ચાર્જ પેટે માત્ર 40 થી 50 કરોડ જેટલી જ રકમ થાય છે પરંતુ નર્મદા આધારિત પાણી પુરવઠાના નિયમો મુજબ અન્ય રકમ પેનલ્ટી પેટે ચુકવવાની થાય છે. કરાર મુજબ હજાર લીટરના 6 રૂપિયા નક્કી કરાયા છે અને દરરોજના 15 એમ.એલ.ડી જથ્થો સપ્લાય કરવાનો  કરાર થયો છે પરંતુ મહાનગરપાલિકા આ જથ્થા કરતા ત્રણ ગણો કે તેથી વધુ જથ્થો ઉપાડે છે.

કરારમાં તો માત્ર 15 એમ.એલ.ડીનો ઉલ્લેખ છે તો બીજી તરફ આ વધારાના જથ્થા પેટે વધુ 6 રૂપિયા પ્રતિ હજાર લીટરે ચાર્જ ચુકવવાનો રહે છે. જો કરારની મર્યાદા વધારવામાં આવે તો પણ હાલ મહાનગરપાલિકાને નવા કરાર પેટે ત્રીસેક કરોડ જેટલી રકમ ચુકવવાની થાય છે.  આ ત્રીસ કરોડ લાવવા કયાંથી ? સમયાંતરે મહાનગરપાલિકા રાજય સરકાર પાસે કટોરો લઇને પહોંચી  જાય છે ત્યારે આ રકમ ચુકવવી હાલના તબક્કેતો અસંભવ છે તેથી આગામી સમયમાં પણ પાણી ચાર્જ એ જ વેગે વધતો રહેશે એ ચોક્કસ વાત છે.