મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ કાલાવડ પોલીસ દફતરમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલ અને તેના બે મિત્રોએ પાંચ દિવસ પૂર્વે કાલાવડ માર્કેટિંગ યાર્ડના ચોગાનમાં હવામાં ફાયરીંગ કરતા સનસનાટી મચી જવા પામી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા સ્થાનિક પોલીસે બંને પોલીસકર્મીઓ તથા તેના બે મિત્રોને સામે આર્મ્સ એકટ સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધી છે.  

જામનગર પોલીસબેડામાં ચકચારી બનેલા બનાવની વિગત મુજબ, કાલાવડ પોલીસ દફતરમાં ફરજ બજાવતા માનસંગભાઇ રવજીભાઇ ઝાપડીયા પોલીસ કોન્સ્ટેબલ અને જયદીપભાઇ રમેશભાઇ જેસડીયા પોલીસ કોન્સ્ટેબલ તેમજ તેના બે મિત્રો જુજરભાઇ શબીરભાઇ માંકડા તે.વ્હોરા ઉ.વ.૩૫ ધંધો.વેપારરહે.કાલાવડ વ્હોરાવાડ તા.કાલાવડ જી.જામનગર તથા મયંક અશોકભાઇ સોજીત્રા જાતે.પટેલ ઉ.વ.૨૨ ધંધો.કન્ટ્રકશન રહે.કાલાવડ પટેલવાડી કાલાવડ જી.જામનગર વાળા ગત તા.૮ ના રોજ રાત્રે આઠેક વાગ્યે માર્કેટિંગ યાર્ડના પરિસરમાં ભેગા થયા હતા. દરમિયાન વાતે વળગેલા મિત્રો પૈકી બંને પોલીસ કોન્સ્ટેબલએ રીવોલ્વર હથિયાર લોર્ડ કરી જુજરભાઇ શબીરભાઇ માંકડા તથા મયંક અશોકભાઇ સોજીત્રાને ફાયરીંગ કરવા આપ્યું હતું.

આ બન્ને આરોપીઓએ એક-એક રાઉન્ડ હવામા ફાયરીંગ કરી હથીયાર લાયસન્સના નિયમનું ઉલ્લંઘન કરી તથા અન્ય બન્ને આરોપીઓએ બીજાઓની જીંદગી તથા શારીરીક સલામતીને જોખમમા મુકે તેવુ કૃત્ય કર્યું હતું. જેને લઈને પોલીસે ચારેય સામે આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી)એ,૩૦ તથા આઇ.પી.સી. કલમ ૩૩૬,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતા અને તેના ફૂટેજ વાયરલ થતા પોલીસ દફતરે ફરિયાદ સુધી ઘટના પહોચી હતી. આ ઘટનાની ઇન્ચાર્જ પીઆઈ લાડુમોર સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.