મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સડોદર ગામે વર્ષ 2014-15માં કૌટુંબીક દાદા સહિતના ચાર શખ્સોની જાતિય શારીરીક સતામણીનો ભોગ બનેલ સગીરાએ બાળકીને જન્મ આપયા બાદ આજે કોર્ટે ચારેય આરોપીઓને આજીવન કેદથી માંડી બે વર્ષ સુધીની સજા સંભળાવી છે.
તા.19-9-2015ના રોજ જામજોધપુર તાલુકાના શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં એક ગામની સગીરાએ બળત્કાર અને જાતિય સતામણીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે પોતાના કૌટુંબીક દાદા તથા ખીમાણંદ ઉર્ફે ખીમા જગા બેરા, રમેશ ઉકા પટેલ અને અનિલ જન્તીભાઇ જોષી નામના શખ્સો સામે આરોપ લગાવાયા હતા. પોતાના કૌટુંબીક દાદાએ દુકાનમાં સગીરા પર પ્રથમ વખત દુષ્કર્મ કર્યા બાદ ધમકી આપી બે-ત્રણ વખત માસુમ પર બળાત્કાર ગુજાર્યો હતો. આજ અરસામાં ખીમાણંદની બુક સ્ટોલ પર ગુંદર લેવા ગયેલી આ જ સગીરા પર દુકાનદારે પણ ચાકુ કાઢી ડરાવીને બળાત્કાર ગુજાર્યો હતો.

બન્ને શખ્સોના શારીરીક શોષણ બાદ સગીરાને પેટામાં દુખાવો ઉપડતા મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમા સગીરાને છ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ આ શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે તે સમયે શેઠવડાળા પોલીસે વિશેષ પૂછપરછ કરી હતી. જેમાં સડોદર ગામે ગુલ્ફીનું મશીન ધરાવતા રમેશ ઉકા પટેલ અને અનિલ જેન્તી જોષીએ તેણી સાથે દુષ્કર્મ આચાર્યુ હોવાનુ બહાર આવ્યું હતું. જેથી પોલીસે આ બન્ને શખ્સોની પણ ફરિયાદમાં જોડી તેણીએ જન્મ આપેલ બાળકનું ડી.એન.એ કરાવવામાં આવ્યું હતું.

પોલીસના ચાર્જશીટ બાદ આ કેસ સ્પેશ્યલ પોકસો કોર્ટમાં એરણ પર આવ્યો હતો. સરકારી વકીલ દ્વારા 48 દસ્તાવેજી પુરાવાઓ અને 17 સાહેદો તપાસવામાં આવ્યા હતા. સરકારી વકીલની દલીલો અને ભોગબનારનું નિવેદન તેમજ પુરાવાઓ અને સાહેદોની જુબાનીના અંતે કોર્ટે આરોપી કૌટુંબીક દાદાને જ્યાં સુધી મૃત્યુ ન થાય ત્યાં સુધી કેદની સજા અને 10 હજારનો દંડ, આરોપી ખીમાણંદ જગા અને રમેશ ઉકાને 10 વર્ષની કેદ તેમજ આરોપી અનિલને 2 વર્ષની કેદની સજા તેમજ ચારેય આરોપીઓને પોકસો કાયદા હેઠળ 7 વર્ષની સખત કેદની સજા ફરમાવી છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે ડી.બી.વજાણી રોકાયેલા હતા.