મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ કાચી ઉંમરે પ્રેમ સંબંધ બાંધતા ટીનેજરને આત્મસાત કરતો એક કિસ્સો જામનગરમાંથી સામે આવ્યો છે. પરિવારના માનસીક ત્રાસની સામે બોયફ્રેન્ડ સહારો બનશે એવી આશાએ ઘર છોડી દેનાર સગીરા બોયફ્રેન્ડ સાથે ભાગી છુટી પરંતુ વ્યવહારીક જીવનથી અજાણ બોયફ્રેન્ડ પર સગીર ગર્લફ્રેન્ડની જવાબદારી આવી પડતા તે નાશીપાસ થઇ ગયો હતો અને સગીરાને છોડી ભાગી છુટ્યો હતો. મોડી રાત્રે એક વિસ્તારમાં રઝળતી સગીરાને નીહાળી લંપટ શખ્સોએ સગીરા પર નજર બગાડી હતી પરંતુ કોઇ સેવાભાવીએ 181 હેલ્પ લાઇનને કોલ કરી દેતા ટીનેજરની જીંદગી બરબાદ થાય તે પુર્વે બચાવી લેવામાં આવી.

જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક પરિવારની 15 વર્ષીય સગીરાએ કાચી ઉંમરમાં થયેલા વિજાતીય આકર્ષણના પગલે એક યુવક સાથે સંબંધ બાંધી તેને બોયફ્રેન્ડ તરીકે અપનાવ્યો હતો. સમય જતાં આ સગીરા તે બોયફ્રેન્ડના આકર્ષણમાં એટલી સપડાઇ કે તેણીએ પોતાના પરિવારને છોડીને બોયફ્રેન્ડ સાથે ભાગી છુટવા તૈયાર થઇ ગઇ. ત્યારબાદ આ સગીરાએ સેવેલ ઉપરોકત સ્વપ્નના સાકાર કરવા સાચે જ તેના બોયફ્રેન્ડ સાથે ઘરેથી ભાગી છુટી. કાચી ઉંમરે પોતાનું દીલ બોયફ્રેન્ડને દઇ ચુકેલી સગીરા પાત્ર પસંદગી કરવામાં થાપ ખાઇ ગઇ. બન્યું એવું કે, ગામડેથી બોયફ્રેન્ડ સાથે જામનગર આવેલી સગીરાનો રૂા. 5000 ની કિંમતનો મોબાઇલ એ બોયફ્રેન્ડે કબ્જે કરી લઇ વેચી માર્યો અને ગોકુલનગર વિસ્તારમાં હમણાં આવું છું એમ કહી બેસાડીને ચાલ્યો ગયો.

બપોર બાદ સાંજ પડી અને સાંજ બાદ રાત પડતા સગીરા મુંઝાવા લાગી પરંતુ પરત આવવાની ધરપત આપી પોતાને છોડી ગયેલો બોયફ્રેન્ડ ન આવ્યો તે ન જ આવ્યો. અંતે અમુક લંપટ અને આવારા શખ્સોની નજર એકલી અટુલી એક જગ્યાએ બેસેલી સગીરા પર પડી અને તેણીની આસપાસ ચકકર લગાવવા માડ્યા, જો કે આ સગીરાને આવારા શખ્સો પીંખી નાખે તે પુર્વે કોઇ સજ્જન માણસનું ધ્યાન તે સગીરા અને તેની આસપાસ મંડરાયેલા લંપટ શખ્સો પર પડ્યું હતું. આ સજ્જને તાત્કાલીક 181 ની ટીમને કોલ કર્યો હતો. ગત રાત્રે ઘટેલી આ ઘટનાની જાણ થતાં જ જામનગર 181 ની ટીમના કાઉન્સેલર સરલાબેન, કોન્સ્ટેબલ ગીતાબેન ધારવીયા, પાયલોટ વિજયભાઇ સીગાલ સહિતનાઓ તુરંત ગોકુલનગર દોડી ગયા હતા અને લાચાર સગીરાનો કબ્જો સંભાળી ધરપત આપી હતી.

ત્યારબાદ 181 ની ટીમને સગીરાએ પોતાની સમગ્ર હકીકત જણાવી હતી. પરિવારમાં પિતા દારૂ પી માનસીક ત્રાસ આપતા હોવાથી તે પિતાના ત્રાસથી છુટવા બોયફ્રેન્ડ સાથે જામનગર આવી હતી. આ બનાવ અંગે 181 ની ટીમે રાત્રે જ તેના માતાનો સંપર્ક કર્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે પુત્રી નાશી ગયા બાદ પતિ દ્વારા તેઓને માર મારવામાં આવ્યો હતો. ટીમ દ્વારા માતાને પોલીસ દફતર બોલાવી લઇ કુમળી વયની પુત્રી સાથે સહજતા ભર્યો વ્યવહાર કરવા અને હેરાન ન કરવા સમજણ આપવામાં આવી હતી.

બીજી તરફ સગીરાએ તેના પિતા સામે પોલીસમાં અરજી કરવા સામે ના પાડી હતી. 181 ની ટીમે સગીરાને તેની માતાને કબ્જો સોંપ્યો હતો.  આ ઘટનાને એક ઘટના ન ગણતા સમગ્ર સમાજે ધડો લેવો જોઇએ. પોતાના કુમળી વયના સંતાનોને જીવન જીવવાની સાચી રીત શીખવી તેમની સાથે પ્રેમ અને આદરભાવ પુર્વકનો વ્યવહાર કરવો જોઇએ. જેથી કરીને આવા બનાવો બનતા અટકી શકે.